29 July, 2024 06:55 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
રાહુલ ગાંધીની ફાઇલ તસવીર
લોકસભામાં રાહુલ ગાંધીએ બજેટ (Union Budget 2024) હલવા સેરેમનીની તસવીર દેખાડી. તસવીર બતાવતા તેમણે કહ્યું કે, તમને તેમાં એક પણ ઓબીસી, દલિત, આદિવાસી કે લઘુમતી અધિકારી દેખાશે નહીં. તેમનું કહેવું છે કે દેશની ખીર વહેંચવામાં આવી રહી છે અને 73 ટકા લોકો તેમાં સામેલ નથી. કુલ 20 અધિકારીઓએ બજેટ તૈયાર કર્યું હતું, જેમાં 1 ઓબીસી અને 1 લઘુમતી છે, પરંતુ તેઓ પણ આ તસવીરમાં સામેલ નથી. રાહુલ ગાંધીના આ નિવેદન પર નાણાપ્રધાન નિર્મલા સીતારમણ (Union Budget 2024) માથું હલાવતા જોવા મળી રહ્યા છે. તે હસે છે અને તેમના કપાળ પર તેના બંને હાથ મારે છે.
તેના પર રાહુલ ગાંધીએ કહ્યું કે, “આ હસવાની વાત નથી. તે દેશના ઓબીસી, દલિતો અને આદિવાસીઓ સાથે જોડાયેલો મુદ્દો છે.” રાહુલ ગાંધીએ કહ્યું કે, “દેશના બજેટની હલવા સેરેમનીમાં માત્ર બેથી ત્રણ ટકા લોકો જ જોવા મળે છે અને આ હલવો એટલા જ લોકોને વહેંચવામાં આવે છે.” રાહુલ ગાંધીએ કહ્યું કે, “આ હાસ્યની વાત નથી. તે એક આશ્ચર્યજનક બાબત છે. આપણે જાતિ ગણતરીની વાત કરી રહ્યા છીએ. તેનાથી દેશ બદલાશે.” રાહુલ ગાંધીએ ચર્ચા (Union Budget 2024) દરમિયાન એમ પણ કહ્યું હતું કે, “અમે વચન આપીએ છીએ કે, જ્યારે સરકાર સત્તામાં આવશે ત્યારે અમે આ જ સંસદમાં જાતિ વસ્તી ગણતરી બિલ પસાર કરીશું. આ સિવાય અમે ખેડૂતો માટે MSP ગેરંટી બિલ પાસ કરીશું.”
વાસ્તવમાં, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ ગયા અઠવાડિયે સંસદમાં ઓબીસી, દલિત અને આદિવાસી મુખ્ય સચિવ અને અન્ય અધિકારીઓની અછત અંગે રાહુલ ગાંધીના પ્રશ્નનો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, “રાહુલ ગાંધીને હકીકતની જાણ નથી. આજે જે લોકો મુખ્ય સચિવ જેવા હોદ્દા પર છે, તેઓ તમારા કાર્યકાળમાં નોકરી પર આવ્યા હતા. હાલમાં 1992 બેચના અધિકારીઓ આ સ્તરે છે. તેથી રાહુલ ગાંધીએ આ પ્રશ્ન અગાઉની કૉંગ્રેસ સરકારોને પૂછવો જોઈએ.” તેમણે કહ્યું હતું કે, “રાહુલ ગાંધીએ તથ્યોથી વાકેફ થવું જોઈએ અને તૈયારી કરવાનું કહેવું જોઈએ. તેમણે કહ્યું હતું કે, “તે ટ્યુશન લીધા પછી બોલે છે, તે પણ એનજીઓમાંથી. નેતાઓ પાસેથી ટ્યુશન લે તો પણ સારું.”
ખુરસી-બચાવો બજેટ: રાહુલ
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ગઈ કાલે રજૂ કરેલા કેન્દ્રીય બજેટની ટીકા કરતાં કૉન્ગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ એને ખુરસી-બચાવો બજેટ ગણાવ્યું હતું. સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પરની એક પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે, ‘આ ખુરસી-બચાવો બજેટ છે. સાથી પક્ષોને ખુશ રાખો, તમામ સાથીઓને ખુશ રાખો, પણ દેશની સામાન્ય જનતાને કોઈ રાહત ન આપો. અગાઉના બજેટ અને કૉન્ગ્રેસના મૅનિફેસ્ટોમાંથી આ બજેટને કૉપી ઍન્ડ પોસ્ટ કરાયું છે.’