05 November, 2025 10:42 AM IST | Ujjain | Gujarati Mid-day Correspondent
દુલ્હો જસ્ટ અઢી ફુટથીયે ટૂંકો છે અને દુલ્હન પાંચ ફુટની છે
ઉજ્જૈનમાં એક અનોખી લવસ્ટોરી ચર્ચામાં છે, કેમ કે અહીં દુલ્હો જસ્ટ અઢી ફુટથીયે ટૂંકો છે અને દુલ્હન પાંચ ફુટની છે. રોહિત બાળપણથી જ ટૂંકા કદનો દિવ્યાંગ છે, જ્યારે ટીના નૉર્મલ યુવતી. આઠ-નવ વર્ષ પહેલાં રોહિતને ટીના ગમી ગઈ. એક જ સમાજનાં હતાં એટલે અવારનવાર કોઈક સામાજિક પ્રસંગોમાં મળવાનું થતું રહેતું અને એમાં જ ટીનાને પણ રોહિત ગમવા લાગ્યો. ૨૦૧૯ના વૅલેન્ટાઇન્સ ડેના દિવસે રોહિતે ટીનાને પ્રપોઝ કરી દીધું. હાઇટના ડિફરન્સને કારણે પરિવારજનોએ પહેલાં વિરોધ કર્યો હતો. પરિવારજનો કેમેય માને એમ નહોતા એટલે તેમણે ભાગીને કોર્ટમાં લગ્ન કરી લીધાં. થોડા દિવસ પછી બન્ને પાછાં આવ્યાં અને તેમણે લગ્ન કરી લીધાં છે એવું ઘરવાળાઓને કહી દીધું. આખરે પરિવારજનોએ લગ્ન સ્વીકારી લીધાં. રોહિતની માત્ર હાઇટ જ ઓછી છે એવું નથી. તે પોતાની જાતે હાલીચાલી પણ નથી શકતો. તે વ્હીલચૅરમાં જ ફરે છે અને નાહવા-ધોવા અને કપડાં પહેરાવવા માટે પણ મદદની જરૂર પડે છે. પરિવારની રજામંદી પછી ૨૦૨૩માં ઉજ્જૈનના એક મંદિરમાં બન્નેએ સાત ફેરા લીધા જેમાં બધા પરિવારજનો સામેલ થયા.
આજે તેમને બે વર્ષની દીકરી છે. ટીના ગાર્મેન્ટની શૉપ ચલાવે છે અને પતિ તેમ જ દીકરી ક્રિઆંશીનું ધ્યાન રાખે છે. હવે આખો પરિવાર ક્યાંય પણ બહાર જાય તો ટીના એક બાજુ દીકરીને તેડે છે તો બીજી બાજુ પતિ રોહિતને તેડે છે.