અરુણાચલ પ્રદેશમાં આર્મીનું ચીતા હેલિકૉપ્ટર ક્રૅશ, બે પાઇલટ શહીદ

17 March, 2023 11:54 AM IST  |  Guwahati | Gujarati Mid-day Correspondent

ક્રૅશનાં કારણો જાણવા માટે કોર્ટ ઑફ ઇન્ક્વાયરીનો આદેશ આપવામાં આવ્યો

શહીદ ઑફિસર્સ લેફ્ટનન્ટ કર્નલ વીવીબી રેડ્ડી અને તેમના કો-પાઇલટ મેજર જયંત.

ઇટાનગર/ગુવાહાટી : આર્મીનું એક ચીતા હેલિકૉપ્ટર ગઈ કાલે સવારે અરુણાચલ પ્રદેશના પશ્ચિમ કમેંગ જિલ્લામાં મંડાલા પાસે ક્રૅશ થયું હતું અને આ હેલિકૉપ્ટરમાં સવાર બે પાઇલટ્સ શહીદ થયા હતા. શહીદ ઑફિસર્સની લેફ્ટનન્ટ કર્નલ વીવીબી રેડ્ડી અને તેમના કો-પાઇલટ મેજર જયંત એ. તરીકે ઓળખ કરવામાં આવી છે. 

ડિફેન્સ મંત્રાલયના પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ મહેન્દ્ર રાવતે કહ્યું હતું કે આ હેલિકૉપ્ટર આસામના સોનીતપુર જિલ્લામાં મિસ્સામરીથી અરુણાચલ પ્રદેશમાં તવાંગ સુધી એક મિલિટરી ઑપરેશન પર હતું. આ ફ્લાઇટે પ્રતિકૂળ હવામાનનો સામનો કરવો પડ્યો હતો.રાવતે કહ્યું હતું કે આ હેલિકૉપ્ટરે સવારે સવાનવ વાગ્યે ઍર ટ્રાફિક કન્ટ્રોલ સાથેનો કૉન્ટૅક્ટ ગુમાવ્યો હતો. ઇન્ડિયન આર્મી, એસએસબી (સહસ્ત્ર સીમા બળ) અને આઇટીબીપી (ઇન્ડો-તિબેટન બૉર્ડર પોલીસ)ની પાંચ સર્ચ ટીમોએ તાત્કાલિક મોકલવામાં આવી હતી. ​હેલિકૉપ્ટરનો કાટમાળ મંડાલાના પૂર્વમાં ગામ બંગલજાપ પાસે મળ્યો હતો. 

અરુણાચલ પ્રદેશના પશ્ચિમ કમેંગ જિલ્લામાં મંડાલા પાસે ક્રૅશ થયેલા આર્મીના ચીતા હેલિકૉપ્ટરનો કાટમાળ.

આ પણ વાંચો: ત્રણ વર્ષમાં સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સના ૪૩૬ જવાનોએ સુસાઇડ કર્યું

આ ક્રૅશનાં કારણો જાણવા માટે કોર્ટ ઑફ ઇન્ક્વાયરીનો આદેશ આપવામાં આવ્યો છે. સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન સેલના પોલીસ સુપરિન્ટેન્ડન્ટ રોહિત રાજભર સિંહે કહ્યું હતું કે ગામના લોકોએ દિરાંગમાં ક્રૅશ થઈને સળગતું હેલિકૉપ્ટર જોયું હતું.

national news indian army arunachal pradesh guwahati