મસૂરી-દેહરાદૂન રોડ પર બસ ઊંડી ખીણમાં પડતાં બેનાં મૃત્યુ, ૩૮ને ઈજા

03 April, 2023 01:49 PM IST  |  Dehradun | Gujarati Mid-day Correspondent

આ બસ ૭૦ મીટર ઊંડી ખીણમાં પડી હતી. 

મસૂરી-દેહરાદૂન રૂટ પર ગઈ કાલે એક બસ ઊંડી ખીણમાં પડી ગયા બાદ રેસ્ક્યુ કામગીરી કરી રહેલી ટીમ.

ઉત્તરાખંડ રોડવેઝની મસૂરીથી દેહરાદૂન જતી એક બસ ગઈ કાલે ઊંડી ખીણમાં પડી જવાના કારણે એક મહિલા અને તેની દીકરીનું મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય ૩૮ જણને ઈજા થઈ હતી.  
મસૂરી પોલીસ સ્ટેશનના સ્ટેશન હાઉસ ઑફિસર ડીએસ કોહલીએ કહ્યું હતું કે ઇન્ડો-તિબેટિયન બૉર્ડર પોલીસના કૅમ્પની પાસે એક વળાંક પર ડ્રાઇવરે આ બસ પરનો કન્ટ્રોલ ગુમાવી દેતાં આ અકસ્માત થયો હતો. આ બસ ૭૦ મીટર ઊંડી ખીણમાં પડી હતી. 

અકસ્માતના સમયે ૧૬ મહિલાઓ, ૧૯ પુરુષો અને પાંચ બાળકો સહિત ૪૦ પેસેન્જર્સ હતા. મસૂરીની માતા-પુત્રીનું મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય ૩૮ જણને ઈજા થઈ છે. ઈજાગ્રસ્તોને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

કોહલીએ વધુ જણાવ્યું હતું કે રૅશ ડ્રાઇવિંગના કારણે આ અકસ્માત થયો હોવાનું જણાય છે, જેના લીધે વળાંક લેતી વખતે ડ્રાઇવર વેહિકલને કન્ટ્રોલ કરી નહોતો શક્યો. 

national news uttarakhand dehradun