નવા વર્ષથી ટૂ-વ્હીલર માટે ઍન્ટિ-લૉક બ્રેકિંગ સિસ્ટમ ફરજિયાત

21 June, 2025 11:59 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આના કારણે હવે રોડ-ઍક્સિડન્ટ્સમાં ૩૫થી ૪૫ ટકાનો ઘટાડો આવી શકશે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

ટૂ-વ્હીલર ચાલકોની સલામતી સુધારવા માટે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવેઝ મંત્રાલયે આવતા વર્ષે જાન્યુઆરી પછી ઉત્પાદિત તમામ નવી સ્કૂટી, બાઇક અને મોટરસાઇકલ માટે ઍન્ટિ-લૉક બ્રેકિંગ સિસ્ટમ (ABS) ફરજિયાત બનાવવાનો નિર્ણય લીધો છે. આ પહેલાં 125 ccથી ઉપરની બાઇક્સ માટે ABS ફરજિયાત હતી. આના કારણે ૪૦ ટકા બાઇકમાં આ સુવિધા ઉપલબ્ધ નહોતી. હવે ટૂ-વ્હીલરની એન્જિન-ક્ષમતા ગમે એટલી હોય તો પણ કંપનીઓએ ABS આપવાની રહેશે.

ABS એક સલામતી સુવિધા છે જે બાઇક (અથવા કોઈ પણ વાહન)ને બ્રેક મારતી વખતે ટાયરને લૉક થવાથી અટકાવે છે. એનું મુખ્ય કાર્ય એ છે કે જ્યારે ડ્રાઇવર કટોકટીની પરિસ્થિતિમાં અચાનક તીક્ષ્ણ બ્રેક લગાવે છે ત્યારે ટાયર સ્લિપ થતું નથી અને વાહન સંતુલિત રહે છે. આજના રોજિંદા જીવનમાં આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને ઉપયોગી સુવિધા છે. આના કારણે હવે રોડ-ઍક્સિડન્ટ્સમાં ૩૫થી ૪૫ ટકાનો ઘટાડો આવી શકશે.

એકને બદલે બે હેલ્મેટ

હવે પહેલી જાન્યુઆરીથી ટૂ-વ્હીલર સાથે બે BIS સર્ટિફાઇડ હેલ્મેટ પણ મફત આપવામાં આવશે. આ પહેલાં માત્ર એક હેલ્મેટ આપવામાં આવતી હતી. ટૂ-વ્હીલર ચલાવનાર અને પિલ્યન રાઇડર એમ બન્નેએ હવે હેલ્મેટ પહેરવી પડશે. ટૂ-વ્હીલર ચાલકોમાં ૪૪ ટકા મૃત્યુ હેલ્મેટ ન પહેરવાના કારણે થતાં હોય છે.

બાઇક્સની કિંમત વધશે

ટૂ-વ્હીલર્સમાં ABS ફરજિયાત બનાવવાનો નિર્ણય લેવાયો છે ત્યારે બાઇક્સની કિંમતમાં ૫૦૦૦થી ૧૦,૦૦૦ રૂપિયાનો વધારો થવાની ધારણા છે.

ministry of road transport and highways morth india national news news