09 June, 2025 07:20 AM IST | Mussoorie | Gujarati Mid-day Correspondent
હાર્ટ અટૅકની પ્રતીકાત્મક તસવીર
મસૂરીમાં ભારે ટ્રૅફિક-જૅમમાં ફસાઈ જવાથી દિલ્હીથી ફરવા આવેલા ૬૨ વર્ષના કમલ કિશોર ટંડનનું મૃત્યુ થયું હતું. ટંડન પરિવાર પાંચમી જૂને વેકેશન માટે મસૂરી આવ્યો હતો અને તેઓ મોતીલાલ નેહરુ રોડ પરના એક અપાર્ટમેન્ટમાં રહેતા હતા.
આ ઘટના વિશે જણાવતાં તેમના ભત્રીજા અર્જુન કપૂરે કહ્યું હતું કે ‘ખરાબ હવામાન અને ભારે વરસાદને કારણે કમલ કિશોર ટંડન અચાનક બીમાર પડી ગયા હતા. શરૂઆતમાં અમે ૧૦૮ ઇમર્જન્સી સર્વિસ દ્વારા ઍમ્બ્યુલન્સ બોલાવી હતી, પણ ઍમ્બ્યુલન્સને દેહરાદૂનથી મસૂરી પહોંચવામાં લગભગ એક કલાક લાગશે એવું જણાવવામાં આવ્યું હતું. કોઈ વિકલ્પ ન હોવાથી અમે પોતાના વાહનમાં તેમને નજીકની લૅન્ડૉર કમ્યુનિટી હૉસ્પિટલમાં લઈ જવાનું નક્કી કર્યું. જોકે મસૂરીના સાંકડા રસ્તાઓ ટ્રૅફિકથી ભરાયેલા હતા, જેમાં ઘણા ટેમ્પો-ટ્રાવેલર્સ અને અન્ય પ્રવાસી વાહનોનો સમાવેશ થતો હતો. એને કારણે ભારે ટ્રૅફિક-જૅમ થયો હતો.’
સ્થાનિક રહેવાસીઓએ અને પોલીસ-કર્મચારીઓએ ટ્રૅફિક-જૅમ દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રસ્તો કાઢવામાં લગભગ ૪૫ મિનિટ લાગી હતી. પરિવાર હૉસ્પિટલમાં પહોંચ્યો ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું અને કમલ કિશોર ટંડનનું રસ્તામાં જ મૃત્યુ થઈ ગયું હતું.