05 May, 2024 06:45 AM IST | Mumbai | Mehul Jethva
તેજસ શાહ
ન્યુ ઝીલૅન્ડ અને સાઉથ આફ્રિકા ફરવા જવા માટે બુકિંગ કરાવનારાઓ પાસેથી લાખો રૂપિયા લીધા બાદ હાથ ઊંચા કરી દેવાના આરોપસર ટૂર-ઑપરેટર તેજસ શાહની પહેલાં દહિસર પોલીસે ધરપકડ કરી હતી અને શુક્રવારે કાંદિવલી પોલીસે તેનો કબજો લીધો હતો. દહિસર પોલીસ-સ્ટેશનમાં આરોપીની ધરપકડ બાદ તેને કોર્ટે જેલ-કસ્ટડી આપી હોવાથી એનો કબજો મેળવવા માટે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે એમ જણાવતાં કાંદિવલીના પોલીસ-ઇન્સ્પેક્ટર પ્રવીણ પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે આ કેસ આર્થિક છેતરપિંડીનો હોવાથી હાલમાં અમે વધુ માહિતી જાહેર કરી શકતા નથી.
દહિસરમાં ઑફિસ ધરાવતા પૂર્વા હૉલિડેઝના માલિક તેજસ શાહ સામે આરોપ છે કે તેમણે કાંદિવલીમાં રહેતા ૩૦ વર્ષના રિષભ શાહ અને ૪૩ વર્ષના જેસલ શાહ પાસેથી સાઉથ આફ્રિકાની ટૂરમાં ૧૧ લોકોના પૅકેજ માટે ૨૫,૧૧,૦૦૦ રૂપિયા લીધા હતા, પણ ટૂર શરૂ થવાની તારીખ નજીક આવી ત્યારે તેમણે ઑફિસને તાળાં મારી દીધાં હતાં. તેજસ શાહ સામે અત્યાર સુધી દહિસર અને કાંદિવલી ઉપરાંત કાંદિવલી-ઈસ્ટના સમતાનગર પોલીસ-સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાઈ છે.
જૈન ધર્મ મુજબ જમવાની વ્યવસ્થા સાથેની સાઉથ આફ્રિકન ટૂરની પેપરમાં જાહેરાત જોયા બાદ હું પૂર્વા હૉલિડેઝના માલિક તેજસ શાહના સંપર્કમાં આવ્યો હતો એમ જણાવતાં કાંદિવલી રહેતા અને ગોરેગામમાં એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા જેસલ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૦૨૩ની ૧૨ ડિસેમ્બરે તેજસનો સંપર્ક કરતાં તેણે મારા પરિવારના ત્રણ સભ્યોના સાઉથ આફ્રિકાની ટૂર માટે ૬,૦૫,૦૦૦ રૂપિયા લીધા હતા જેમાં તેણે સાંજે ચોવિહાર કરાવવાનો વાયદો કર્યો હતો. અમે સાઉથ આફ્રિકા જવાના હોવાની માહિતી મારા પરિવારના અન્ય સભ્યોને મળતાં તેઓ પણ અમારી સાથે આવવા તૈયાર થતાં ૬ સભ્યો માટે ૧૪,૩૬,૦૦૦ રૂપિયા તેજસને ટ્રાન્સફર કર્યા હતા. એ પછી માર્ચમાં વારંવાર તેજસનો સંપર્ક કરતાં તેણે સરખા જવાબ આપ્યા નહોતા. એ પછી મે મહિનાના અંતે અમારી ટૂર હોવાથી ૧૦ એપ્રિલે મેં તેનો સંપર્ક કર્યો ત્યારે તેણે કહ્યું કે ટૂર કૅન્સલ થઈ ગઈ છે અને તમારા પૈસા હું વહેલી તકે પાછા આપી દઈશ. એ પછી જ્યારે અમે તેની ઑફિસ ગયા ત્યારે તેની ઑફિસ બંધ હતી અને તેનો મોબાઇલ-નંબર પણ સ્વિચ્ડ-ઑફ આવતો હતો. અમે વધુ તપાસ કરતાં અમારી માફક તેણે અન્ય લોકો સાથે પણ આવી છેતરપિંડી કરી હોવાનું જણાતાં અમે કાંદિવલી પોલીસ-સ્ટેશનમાં કુલ ૨૦,૪૧,૦૦૦ રૂપિયા લઈ છેતરપિંડી કરનાર તેજસ સામે ફરિયાદ નોંધાવી હતી.’
મારાં મમ્મી-પપ્પા મે મહિનામાં સાઉથ આફ્રિકા ફરવા જવા માગતાં હતાં એટલે હું ટૂર્સ ઍન્ડ ટ્રાવેલ્સ ઑપરેટર શોધતો હતો ત્યારે મને મારા મિત્ર પાસેથી પૂર્વા હૉલિડેઝ વિશે માહિતી મળી હતી એમ જણાવતાં કાંદિવલીના સી. પી. રોડ પરની એક સોસાયટીમાં રહેતા ૩૦ વર્ષના રિષભ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જ્યારે મેં ફોન પર પૂર્વા હૉલિડેઝનો સંપર્ક કર્યો ત્યારે તેજસ શાહે ૧૨ નાઇટ ૧૩ દિવસની સાઉથ આફ્રિકા ટૂર માટે ૪,૭૦,૦૦૦ રૂપિયાનું પૅકેજ આપ્યું હતું. એ પૅકેજ સારું લાગતાં મેં તેજસે આપેલા બૅન્ક-અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી દીધા હતા. ૪ મેએ ટૂર જશે એવી માહિતી મને આપવામાં આવી હતી. એ પછી એપ્રિલમાં તેને ફોન કરવાનો પ્રયત્ન કરતાં ઘણા સમય સુધી તેનો ફોન સ્વિચ્ડ-ઑફ આવ્યો હતો એટલે તેની ઑફિસ ગયો હતો, પણ ઑફિસને તાળાં લાગ્યાં હતાં. વધુ માહિતી મેળવતાં જાણવા મળ્યું હતું કે તેણે બીજા લોકો સાથે પણ આવી છેતરપિંડી કરી છે. એ પછી મેં સમતાનગર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.’
દહિસર પોલીસ-સ્ટેશને નોંધેલા કેસમાં તેજસની ધરપકડ એપ્રિલમાં કરવામાં આવી હતી. એ પછી તેને જેલ-કસ્ટડી થઈ હતી. બે દિવસ પહેલાં કાંદિવલીમાં તેની સામે ફરિયાદ નોંધાતાં તેની કસ્ટડી કાંદિવલી પોલીસે લીધી હોવાનું જણાવતાં સમતાનગરના પોલીસ-ઇન્સ્પેક્ટર રાવસાહેબ શિંદેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કાંદિવલી પોલીસ-સ્ટેશનની તપાસ પૂરી થયા પછી અમે તેજસનો કબજો લઈશું. આ કેસમાં ફરિયાદીઓ વધે એવી પૂરેપૂરી શક્યતા છે.’