16 July, 2023 09:15 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ટમેટાંના ભાવમાં ભારે વધારા પછી લોકોનાં ખિસ્સાં પર મોટો માર પડ્યો છે. સરકાર કેટલીક જગ્યાઓએ રાહત દરે ટમેટાં વેચી રહી છે, પણ શાક માર્કેટમાં ટમેટાંના ભાવમાં કોઈ ફરક જણાતો નથી. આ બધાની વચ્ચે એક રસપ્રદ સર્વે હાથ ધરવામાં આવ્યો છે. આ સર્વેમાં જાણવા મળ્યું છે કે ઓછામાં ઓછા ૬૮ ટકા લોકોએ વપરાશમાં ઘટાડો કર્યો છે, જ્યારે ૧૪ ટકા લોકોએ ઉપયોગ સદંતર બંધ કરી દીધો છે.
સર્વે કરવામાં આવેલા ૮૭ ટકા લોકોએ કન્ફર્મ કર્યું છે કે હાલ ટમેટાંની લેટેસ્ટ ખરીદી માટે તેઓ પ્રતિ કિલો ૧૦૦ રૂપિયા વધારે ચૂકવી રહ્યા છે, જ્યારે ગ્રામીણ વિસ્તારો અથવા જ્યાં ટમેટાંનો પાક લેવામાં આવે છે એવા વિસ્તારોના માત્ર ૧૩ ટકા લોકો જ ૧૦૦ રૂપિયા કરતાં ઓછી કિંમત ચૂકવી રહ્યા છે.
આ સર્વે કમ્યુનિટી સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ લોકલ સર્કલ્સ દ્વારા કરવામાં આવ્યો હતો.
આ રહ્યાં સર્વેનાં તારણો
૧. સર્વેમાં સૌપ્રથમ ઘરગથ્થુ વપરાશકર્તાઓને પૂછવામાં આવ્યું કે તમારા પરિવારે તાજેતરમાં પ્રતિ કિલો કેટલા રૂપિયા ચૂકવ્યા.
૨. આ સર્વેમાં ૧૦,૯૭૨ લોકોને સવાલો કરવામાં આવ્યા હતા.
૩. ૪૧ ટકાએ કહ્યું કે તેમણે ટમેટાં માટે ૧૦૦-૧૫૦ રૂપિયા પ્રતિ કિલો વચ્ચે ચૂકવ્યા.
૪. ૨૭ ટકાએ કહ્યું કે ૧૫૦-૨૦૦ રૂપિયા પ્રતિ કિલો ચૂકવી રહ્યા છીએ.
૫. ૧૪ ટકા પરિવારોએ ૨૦૦-૨૫૦ રૂપિયા પ્રતિ કિલો અને પાંચ ટકા પરિવારોએ પ્રતિ કિલોના ૨૫૦ રૂપિયા ચૂકવ્યા.
૬. ૧૩ ટકા પરિવારો પ્રતિ કિલો ૧૦૦ રૂપિયા કરતાં ઓછી કિંમતમાં ટમેટાં ખરીદવા માટે ભાગ્યશાળી રહ્યા છે.
૭. આ સર્વેમાં ભાગ લેનારા ૬૫ ટકા પુરુષો હતા જ્યારે ૩૫ ટકા મહિલાઓ હતી. ૪૨ ટકા લોકો ટાયર વન સિટીઝમાંથી, ૩૪ ટકા લોકો ટાયર-૨ સિટીઝમાંથી જ્યારે ૨૪ ટકા લોકો ટાયર-૩ અને ૪ સિટીઝ તેમજ રુરલ એરિયાઝમાંથી હતા.
પ્રતિ કિલો ૧૦૦ રૂપિયાથી વધુ કિંમત ચૂકવનારા લોકોની ટકાવારીમાં ખૂબ વધારો થયો
અગાઉના સર્વે સાથેનો તુલનાત્મક અભ્યાસ દર્શાવે છે કે ૨૭ જૂને ૧૮ ટકા પરિવારો ટમેટાં માટે ૧૦૦ રૂપિયા કરતાં વધારે ભાવ ચૂકવી રહ્યા હતા, તેમની ટકાવારી ૧૪ જુલાઈ સુધીમાં વધી છે અને આ ટકાવારી ૮૭ ટકા થઈ ગઈ છે. મર્યાદિત પુરવઠાના કારણે સારાં ટમેટાં નીચા ભાવે દુષ્કર થઈ ગયાં છે. મોટા ભાગના પરિવારો પોતાના કિચન બજેટ પ્રમાણે ખર્ચા કરવાનું પસંદ કરે છે. આ જોતાં સર્વેમાં આવા વપરાશકર્તાઓને પૂછવામાં આવ્યું કે તમે ટમેટાંના વધેલા ભાવનો કેવી રીતે સામનો કરી રહ્યા છો? નોંધપાત્ર છે કે અનેક વિસ્તારોમાં ટમેટાંના ભાવ ૨૦૦ રૂપિયા કરતાં પણ વધુ છે.