ઝારખંડમાં વીજળી પડવાથી ૧૨ જણનાં, જ્યારે રાજસ્થાનમાં વરસાદી ઘટનાઓમાં ૧૩નાં મૃત્યુ

28 May, 2023 10:19 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

પૂર્વ રાજસ્થાનમાં છેલ્લા ૨૪ કલાકમાં કેટલાંક સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદ પડ્યો હતો

દિલ્હી-ગુરુગ્રામ એક્સપ્રેસવે સર્વિસ રોડ પર ગઈ કાલે ભારે વરસાદ બાદ પાણી ભરાતાં એમાંથી પસાર થઈ રહેલાં વાહનો

દેશના કેટલાક ભાગમાં વિપરીત હવામાનની જનજીવન પર ખૂબ જ અસર થઈ રહી છે.

છેલ્લા બે દિવસમાં ઝારખંડના વિવિધ ભાગોમાં વીજળી પડવાથી લગભગ ૧૨ જણનાં મૃત્યુ થયાં હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. ધનબાદ જિલ્લાના બારવાડા વિસ્તારની એક મહિલા અને તેની દીકરી, જ્યારે શુક્રવારે જમશેદપુરમાં બહરગોરામાં તથા ગુમલા જિલ્લામાં ચિરોદીહ ખાતે બે વ્યક્તિનાં મૃત્યુ થયાં હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. લોહારદગ્ગામાં પણ એક જણનું મૃત્યુ નોંધાયું હતું.

ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીએ જણાવ્યું હતુ કે સંબંધિત જિલ્લાઓના અધિકારીઓને મૃતકોની નોંધ કરવા જણાવાયું છે, જેથી તેમના પરિવારજનોને વળતરની ચુકવણી કરી શકાય. ઝારખંડ સરકાર પ્રત્યેક મૃતકના પરિવારને ચાર લાખ રૂપિયાનું વળતર ચૂકવશે.

પૂર્વ રાજસ્થાનમાં છેલ્લા ૨૪ કલાકમાં કેટલાંક સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદ પડ્યો હતો. ડિઝૅસ્ટર રિલીફ ઍન્ડ મૅનેજમેન્ટ ડિપાર્ટમેન્ટે જણાવ્યાનુસાર છેલ્લા બે દિવસમાં વરસાદ અને વાવાઝોડાને કારણે ૧૩ જણનાં મૃત્યુ થયાં હતાં. એમાંનાં દસ મૃત્યુ ટૉન્કમાં, જ્યારે અલ્વર, જયપુર અને બિકાનેરમાં એક-એક મૃત્યુ નોંધાયાં હતાં. રાજસ્થાન સરકારે વરસાદી ઘટનાઓમાં મૃત્યુ પામનારાના પરિવારજન માટે પાંચ લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે.

દરમ્યાન વરસાદ અને તોફાની પવનોએ કારણે ગઈ કાલે સવારે દિલ્હી અને એનસીઆરમાં તાપમાન ઘટીને ૧૯.૩ ડિગ્રી સે​લ્સિયસ નોંધાયું હતું, જે મોસમના સરેરાશ તાપમાન કરતાં સાત ડિગ્રી ઓછું હતું. 

national news jharkhand rajasthan