ઑનલાઇન પ્લૅટફૉર્મ્સના ડિલિવરી બૉય્ઝની હડતાળની કોઈ અસર ન થઈ

01 January, 2026 08:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઈ-કૉમર્સ કંપનીઓએ થર્ટીફર્સ્ટ અને ન્યુ યરની ડિમાન્ડને પહોંચી વળવા અઢળક ઇન્સેન્ટિવ્ઝ આપીને ફેસ્ટિવ રશ સાચવી લીધો

દેશવ્યાપી હડતાળની જાહેરાત વચ્ચે ગઈ કાલે મરીન લાઇન્સમાં ગ્રોસરી-શૉપની બહાર ગિગ વર્કર્સ ઑર્ડરની રાહ જોઈને બેઠેલા જોવા મળ્યા હતા.

વિવિધ માગણીઓને લઈને થર્ટીફર્સ્ટની રાતે ગિગ વર્કર્સ એટલે કે ઑનલાઇન પ્લૅટફૉર્મ્સના ડિલિવરી બૉય્ઝ દ્વારા રાષ્ટ્રવ્યાપી હડતાળની જાહેરાત કરવામાં આવી હતી. જોકે ફૂડ ડિલિવરી અને ઈ-કૉમર્સ પ્લૅટફૉર્મ્સે આ હડતાળનો સામનો કરવા જુદો જ પેંતરો અજમાવ્યો હતો. મોટા ભાગે ગઈ કાલે ગિગ વર્કર્સની ડિલિવરી-આધારિત સર્વિસિસ ચાલુ હતી, કારણ કે કંપનીઓએ થર્ટીફર્સ્ટ નાઇટની ડિમાન્ડને પહોંચી વળવા ડિલિવરી પાર્ટનર્સ માટે ઇન્સેન્ટિવ્ઝના અનેક દરવાજા ખોલી દીધા હતા.

હડતાળને લીધે ડિલિવરી પાર્ટનર્સની અછત ન સર્જાય એ માટે ગઈ કાલે કંપનીઓએ ઑર્ડર કૅન્સલ કરવા પર કે મોડા પહોંચવા પર લાગતી પેનલ્ટી માફ કરી દેવાની ઑફર આપી હતી. એ સાથે પીક અવરમાં પેમેન્ટમાં પણ ઘણો વધારો કરવામાં આવ્યો હતો. આ કારણે ગ્રોસરીના સામાન માટે ઍવરેજ ડિલિવરી ટાઇમ ૧૦થી ૨૦ મિનિટનો રહ્યો હતો.

જોકે તેલંગણ ગિગ ઍન્ડ પ્લૅટફૉર્મ વર્કર્સ યુનિયન (TGPWU) અને ઇન્ડિયન ફેડરેશન ઑફ ઍપ-બેઝ્ડ ટ્રાન્સપોર્ટ વર્કર્સ (IFAT)એ દાવો કર્યો હતો કે આ હડતાળમાં દેશભરમાં ૧.૭ લાખથી વધુ ગિગ વર્કર્સ જોડાયા હતા.

શું છે ગિગ વર્કર્સની માગણી?
વધુ સારો પગાર, કામ કરવાની પરિસ્થિતિઓમાં સુધારો, ૧૦ મિનીટના જોખમી ડિલિવરી મૉડલ પર પ્રતિબંધ, ઍક્સિડન્ટ ઇન્શ્યૉરન્સ, હેલ્થ ઇન્શ્યૉરન્સ, ઍલ્ગરિધમમાં ભેદભાવ દૂર કરવા અને રેસ્ટ-બ્રેક સહિતની અનેક માગણીઓ ગિગ વર્કર્સે કરી છે.

કંપનીએ કયા લાભ આપ્યા?
કંપનીઓએ ડિલિવરી પાર્ટનરોને ઑર્ડરદીઠ ૧૨૦-૧૫૦ રૂપિયાના પેમેન્ટની ઑફર આપી હતી.
કેટલાંક પ્લૅટફૉર્મે તેમને ગઈ કાલના એક દિવસમાં ૨૦૦૦થી ૩૦૦૦ રૂપિયા સુધીની કમાણી થઈ શકે છે એવું વચન પણ આપ્યું હતું. ​સ્વિગીએ બે દિવસમાં ૧૦,૦૦૦ રૂપિયા સુધીની કમાણીની ઑફર આપી હતી. ઝોમાટોએ ઑર્ડર કૅન્સલેશન પર પેનલ્ટીને માફ કરી હતી.

national news india indian government zomato swiggy new year