સોનમે સાત ફેરા લેતી વખતે પહેરેલી લાલ સાડી રાજા રઘુવંશીના પરિવારે હોળીમાં સળગાવી દીધી

04 March, 2026 09:27 AM IST  |  Indore | Gujarati Mid-day Correspondent

ગયા વર્ષે હોળીના પ્રસંગે સોનમે રાજાને ફોન કરીને તેના ઘરે આમંત્રણ આપ્યું હતું અને કહ્યું હતું કે આપણે સાથે હોળી રમીએ

રાજા રઘુવંશી, સોનમ

હોળીના શુભ પ્રસંગે મધ્ય પ્રદેશના ઇન્દોરના રાજા રઘુવંશી પરિવારે હોલિકાદહન દરમ્યાન એક ભાવનાત્મક નિર્ણય લઈને એ લાલ રંગની સાડીને હોળીમાં બાળી નાખી હતી જે સોનમે રાજા સાથે લગ્નમાં ૭ ફેરા ફરતી વખતે પહેરી હતી. રાજા રઘુવંશી પરિવારે સોનમની સાડીને બાળીને દુષ્ટતાનો અંત લાવવાનો પ્રયાસ કર્યો છે. આ મુદ્દે રાજાની માતાએ કહ્યું હતું કે ‘હોલિકાદહન અધર્મ પર ધર્મના વિજયનું પ્રતીક છે. સોનમ જેલમાં છે, કાયદો તેને સજા કરશે, અમે તેને બાળી શકતા નથી; પરંતુ તેની સાડી અને તેની યાદોને બાળીને અમે દુષ્ટતાનો અંત લાવીશું. જે સાડી સોનમે પહેરી હતી તેને અમે હોળીમાં બાળી નાખી છે અને એ સાથે અમારી સાથે થયેલા વિશ્વાસઘાત અને પીડાઓનો અંત આવશે. 

ગયા વર્ષે હોળીના પ્રસંગે સોનમે રાજાને ફોન કરીને તેના ઘરે આમંત્રણ આપ્યું હતું અને કહ્યું હતું કે આપણે સાથે હોળી રમીએ. રાજા સોનમ સાથે ગુલાલનો ઉપયોગ કરીને હોળી રમ્યો હતો જે રાજાની છેલ્લી હોળી બની ગઈ હતી. રાજાની માતાએ એ દિવસે એક વિડિયો બનાવ્યો હતો અને આ વર્ષે એ વિડિયો જોઈને તેઓ ભાવુક થઈ ગયાં હતાં અને રડતાં-રડતાં કહ્યું હતું કે ‘ગયા વર્ષે મેં રાજાનો હોળી રમતી વખતનો વિડિયો બનાવ્યો હતો અને હવે એ જોઈને મને મારા પુત્રની યાદ આવી રહી છે. હવે રાજા આ દુનિયામાં નથી. રાજા ગયા પછી પરિવારના જીવનમાં કોઈ રંગ બાકી નથી. હોળી નથી, દિવાળી નથી, કોઈ તહેવાર નથી. અમે રાજાના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીશું અને ન્યાય માટે અવાજ ઉઠાવીશું.’

શું હતો આ કેસ?

ઇન્દોરના ઉદ્યોગપતિ રાજા રઘુવંશીની હત્યાની કહાની મે ૨૦૨૫માં શરૂ થઈ હતી, જ્યારે તે પત્ની સોનમ સાથે મેઘાલયમાં હનીમૂન-ટ્રિપ પર હતો. એ સમય દરમ્યાન રાજાની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં પાંચ લોકો પર આરોપ મૂકવામાં આવ્યો છે જેમાં રાજાની પત્ની સોનમ, તેનો મિત્ર રાજ કુશવાહા, વિશાલ ચૌહાણ, આકાશ રાજપૂત અને આનંદ કુર્મી નામના ત્રણ હુમલાખોરોનો સમાવેશ છે. હાલમાં એ બધા જેલમાં છે. કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે.

national news india holi madhya pradesh indore murder case