01 January, 2026 07:25 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સરકારે ગઈ કાલે જણાવ્યું હતું કે નવેમ્બર મહિનામાં ભારતમાં બ્રૉડબૅન્ડ ગ્રાહકોની સંખ્યા એક અબજ (૧૦૦ કરોડ)ને વટાવી ગઈ છે. છેલ્લાં ૧૦ વર્ષમાં ભારતમાં બ્રૉડબૅન્ડ ગ્રાહકોની સંખ્યા ૬ ગણાથી વધુ વધી છે. મિનિસ્ટ્રી ઑફ કમ્યુનિકેશનના જણાવ્યા અનુસાર નવેમ્બર ૨૦૧૫ના અંતમાં ૧૩.૧૫ કરોડ બ્રૉડબૅન્ડ ગ્રાહકો હતા જે નવેમ્બર ૨૦૨૫ના અંતમાં વધીને એક અબજ (૧૦૦.૩૭ કરોડ) થયા છે.
બીજી તરફ ટેલિકૉમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયા (TRAI)નો તાજેતરનો ડેટા દર્શાવે છે કે ભારતમાં ઇન્ટરનેટ સબસ્ક્રાઇબર્સની કુલ સંખ્યા એપ્રિલ-જૂન ક્વૉર્ટરના અંતે ૧૦૦૨.૮૫ મિલ્યનથી વધીને જુલાઈ-સપ્ટેમ્બરના સમયગાળાના અંતે ૧૦૧૭.૮૧ મિલ્યન થઈ ગઈ છે જે ૧.૪૯ ટકાની ત્રિમાસિક વૃદ્ધિ નોંધાવે છે. ૧૦૭૦.૮૧ મિલ્યન ઇન્ટરનેટ સબસ્ક્રાઇબર્સમાંથી વાયર્ડ ઇન્ટરનેટ સબસ્ક્રાઇબર્સની સંખ્યા ૪૪.૪૨ મિલ્યન છે અને વાયરલેસ ઇન્ટરનેટ સબસ્ક્રાઇબર્સની સંખ્યા ૯૭૩.૩૯ મિલ્યન છે.
બ્રૉડબૅન્ડ ઇન્ટરનેટ સબસ્ક્રાઇબર બેઝ જૂનના અંતમાં ૯૭૯.૭૧ મિલ્યનથી આ વર્ષે સપ્ટેમ્બરના અંતમાં ૧.૬૩ ટકા વધીને ૯૯૫.૬૩ મિલ્યન થયો છે. નૅરોબૅન્ડ ઇન્ટરનેટ સબસ્ક્રાઇબર બેઝ જૂન ક્વૉર્ટરમાં ૨૩.૧૪ મિલ્યનથી ઘટીને સપ્ટેમ્બર ક્વૉર્ટરના અંતે ૨૨.૧૮ મિલ્યન થયો છે.
વાયરલાઇન સબસ્ક્રાઇબર્સ એપ્રિલ-જૂન ક્વૉર્ટરના અંતે ૪૭.૪૯ મિલ્યનથી ઘટીને સપ્ટેમ્બર ક્વૉર્ટરના અંતે ૪૬.૬૧ મિલ્યન થયાં છે જેમાં ૧.૮૪ ટકાનો ત્રિમાસિક ઘટાડો થયો છે. વાર્ષિક ધોરણે જુલાઈ-સપ્ટેમ્બર ક્વૉર્ટરના અંતે વાયરલાઇન સબસ્ક્રિપ્શન્સમાં ૨૬.૨૧ ટકાનો વધારો થયો છે.