31 August, 2026 11:13 AM IST | Ladakh | Gujarati Mid-day Correspondent
ભારતીય સેનાના એવિએશન પાઇલટોએ અદ્ભુત સાહસનું પ્રદર્શન
લદ્દાખના કારગિલમાં આવેલા નુન-કુન પર્વત પર શનિવારે ભારતીય સેનાના એવિએશન પાઇલટોએ અદ્ભુત સાહસનું પ્રદર્શન કર્યું હતું. સેનાએ ૧૮,૬૦૦ ફુટની અત્યંત દુર્ગમ ઊંચાઈ અને ભયંકર પવનો વચ્ચે એક બીમાર વ્યક્તિને બચાવવા માટે અતિ જોખમી રેસ્ક્યુ ઑપરેશન કર્યું હતું.
સીધા ઢોળાવવાળા પહાડ પર જમીન સમથળ ન હોવાને કારણે પાઇલટોએ વન-સ્કિડ લૅન્ડિંગ ટેક્નિકનો ઉપયોગ કર્યો હતો. એમાં હેલિકૉપ્ટરનું માત્ર એક જ સ્કિડ પહાડ પર ટેકવીને એને હવામાં જ સંતુલિત રાખવામાં આવ્યું હતું અને દરદીને ઍરલિફ્ટ કર્યો હતો. આટલી ઊંચાઈએ હવાનું દબાણ ખૂબ ઓછું હોવાથી એન્જિનની ક્ષમતા ઘટી જાય છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા અને વજન ઘટાડવા માટે હેલિકૉપ્ટરમાંથી તમામ બિનજરૂરી ઉપકરણો હટાવી લેવાયાં હતાં. ઉપરાંત ઈંધણ પણ જરૂર હોય એટલું જ ભરવામાં આવ્યું હતું.