12 August, 2026 10:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
LPG સિલિન્ડર્સ
પેટ્રોલિયમ અને કુદરતી ગૅસ મંત્રાલયે સંસદમાં આપેલા એક જવાબમાં જણાવ્યું હતું કે સરકાર લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ (LPG)ની આયાત પર નિર્ભરતા ઘટાડવા અને સ્વચ્છ રસોઈ-વિકલ્પ પૂરો પાડવાના ઉદ્દેશ સાથે અશ્મિભૂત ઈંધણ-આધારિત રસોઈને બદલે સંભવિત બાયોફ્યુઅલ વિકલ્પ તરીકે રસોઈ બળતણ તરીકે એથનૉલનો ઉપયોગ કરવાની તક શોધી રહી છે. રસોઈના બળતણ તરીકે એથનૉલનો ઉપયોગ કરવામાં આવે તો દેશમાં વધારાની એથનૉલ ઉત્પાદનક્ષમતાનો અસરકારક ઉપયોગ પણ કરી શકાશે એવું સરકાર માને છે.
આ વિષયના વ્યૂહાત્મક મહત્ત્વને ધ્યાનમાં રાખીને જાહેર ક્ષેત્રની તેલ માર્કેટિંગ કંપનીઓ ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશન, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કૉર્પોરેશન અને ભારત પેટ્રોલિયમ કૉર્પોરેશનના સંયુક્ત ઉપક્રમ LPG ઇક્વિપમેન્ટ રિસર્ચ સેન્ટર (LERC)એ જાહેર એથનૉલ પર આધારિત સ્વચ્છ રસોઈ-વિકલ્પો તરફ વિકાસ-પ્રયાસો હાથ ધર્યા છે. મંત્રાલયે જણાવ્યું હતું કે આ પહેલ સ્વચ્છ અને વૈકલ્પિક રસોઈ બળતણ વિકલ્પોને પ્રોત્સાહન આપવાના સરકારના વ્યાપક ઉદ્દેશ સાથે સુસંગત છે.
૨૦ ટકાથી વધુ એથનૉલ મિશ્રણ નહીં
મંત્રાલયે જણાવ્યું હતું કે સરકારે હજી સુધી પેટ્રોલ સાથે એથનૉલ મિશ્રણને ૨૦ ટકાથી વધારવાનો કોઈ નિર્ણય લીધો નથી. ડીઝલમાં એથનૉલનું મિશ્રણ વ્યવહારુ સાબિત થયું નથી.