29 July, 2026 07:33 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
૨૦ ટકા એથનૉલ-મિશ્રિત પેટ્રોલ એટલે કે E20 ફ્યુઅલને ડિફૉલ્ટ ઈંધણ તરીકે અમલમાં મુકાયા બાદ પણ કેટલાં વાહનો એના માટે સંપૂર્ણપણે સુસંગત છે એનો કેન્દ્ર સરકાર પાસે કોઈ જવાબ નથી. રાજ્યસભામાં પુછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં પેટ્રોલિયમ અને નૅચરલ ગૅસ રાજ્યપ્રધાન સુરેશ ગોપીએ જણાવ્યું હતું કે આવાં વાહનોની સંખ્યા જાણવા માટે મંત્રાલયે કોઈ સર્વે કે મૂલ્યાંકન કર્યું નથી.
સુરેશ ગોપીએ જણાવ્યું હતું કે ‘E20 ઈંધણ અમલમાં મૂકવાનો નિર્ણય તબક્કાવાર, વૈજ્ઞાનિક મૂલ્યાંકન અને વિવિધ હિતધારકો સાથેની ચર્ચા બાદ લેવામાં આવ્યો હતો. આ પ્રક્રિયામાં નીતિ આયોગ, ઑટોમોબાઇલ ઉત્પાદકો, ઑઇલ માર્કેટિંગ કંપનીઓ, ઑટોમોટિવ રિસર્ચ અસોસિએશન ઑફ ઇન્ડિયા (ARAI), સોસાયટી ઑફ ઇન્ડિયન ઑટોમોબાઇલ મૅન્યુફૅક્ચરર્સ (SIAM) અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પેટ્રોલિયમ (IIP) સહિતની સંસ્થાઓને સામેલ કરવામાં આવી હતી.’
સરકારે એમ પણ જણાવ્યું હતું કે અસુસંગત વાહનોનાં એન્જિન કે માઇલેજ પર E20ને કારણે થનારી સંભવિત અસર કે આડઅસર વિશે પણ કોઈ અલગ અભ્યાસ કરવામાં આવ્યો નથી. નોંધનીય છે કે સરકાર તરફથી આ જવાબ ત્યારે આવ્યો છે જ્યારે E20 જનતા પાર્ટી (EJP) નામ હેઠળ એક નવી ચળવળ આકાર લઈ રહી છે. નોંધનીય છે કે છેલ્લા કેટલાક મહિનાથી E20 નીતિને લઈને સરકારને તીવ્ર પ્રતિક્રિયાઓનો સામનો કરવો પડી રહ્યો છે તેમ જ વિવિધ સોશ્યલ મીડિયા અભિયાન અને રાઇટ ટુ ઇન્ફર્મેશન (RTI) ઍક્ટ હેઠળની અરજીઓ દ્વારા વધુ પારદર્શિતા તેમ જ એથનૉલમુક્ત પેટ્રોલ ઉપલબ્ધ રાખવાની માગણી થઈ રહી છે.