ભારતમાં વસ્તીગણતરીનો પહેલો તબક્કો શરૂ થશે પહેલી એપ્રિલથી

09 January, 2026 07:15 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

વસ્તીગણતરી સંપૂર્ણ રીતે ડિજિટલ હશે. લગભગ ૩૦ લાખ કર્મચારીઓ મોબાઇલ ઍપના માધ્યમથી ડેટા એકઠો કરશે.

પ્રતીકાત્મક તસવીર

કેન્દ્રીય ગૃહખાતાએ વસ્તીગણતરી ૨૦૨૭ના પહેલા તબક્કાની સમયસીમાની સત્તાવાર સૂચના જાહેર કરી દીધી છે. આ ચરણમાં ઘરો અને રહેઠાણોની યાદી બનશે. ઘર અને પરિવારની અન્ય જાણકારીઓ પણ એકઠી કરવામાં આવશે જેથી વસ્તીગણતરી માટેનો મજબૂત પાયો તૈયાર થાય. ૨૦૨૬ની પહેલી એપ્રિલથી ૩૦ સપ્ટેમ્બર દરમ્યાન દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત 
પ્રદેશો દ્વારા આ કામ પૂરું કરવામાં આવશે.

આ સૂચનામાં સ્વગણનાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. એમાં ઘર-ઘરનું લિસ્ટિંગ શરૂ થવાના ૧૫ દિવસ પહેલાંથી ઉપલબ્ધ રહેશે. દરેક નાગરિક ઍપ કે પોર્ટલના માધ્યમથી પોતાની જાણકારી એમાં નોંધાવી શકશે. આ વસ્તીગણતરી કોરોનાને કારણે ૨૦૨૧માં સ્થગિત કરવામાં આવી હતી અને હવે બે તબક્કામાં પૂરી કરવામાં આવશે.

પહેલા તબક્કામાં રહેઠાણોની સૂચિ બનશે. બીજા તબક્કામાં વસ્તીની ગણતરી ૨૦૨૭ના ફેબ્રુઆરી મહિનાથી શરૂ થશે. વસ્તીગણતરી સંપૂર્ણ રીતે ડિજિટલ હશે. લગભગ ૩૦ લાખ કર્મચારીઓ મોબાઇલ ઍપના માધ્યમથી ડેટા એકઠો કરશે. મોબાઇલ ઍપ, પોર્ટલ અને રિયલ ટાઇમ ડેટા ટ્રાન્સફરને કારણે વસ્તીગણતરીનું કામ પેપરલેસ અને આસાન થઈ જશે.

national news india indian government