મોદી અને બાઇડનનો ભાઈચારો ભારત અને યુએસના બૉન્ડિંગને મજબૂત બનાવશે

09 September, 2023 11:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બાઇડન G20 સમિટ માટે ભારતમાં : ન્યુક્લિયર રીઍક્ટર્સ માટે સંધિ તેમ જ ગલ્ફ અને દ​િક્ષણ એશિયાને જોડવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડીલની શક્યતા

નવી દિલ્હીમાં ગઈ કાલે યુએસ પ્રેસિડન્ટ જો બાઇડનની સાથે મીટિંગ દરમ્યાન પીએમ મોદી. પી.ટી.આઇ.

નવી દિલ્હી (પી.ટી.આઇ.) ઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે નવી દિલ્હીમાં અમેરિકન પ્રેસિડન્ટ જો બાઇડનની સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી, જેમાં બન્ને દેશો વચ્ચેનું બૉન્ડિંગ વધારે મજબૂત કરવા પર ફોકસ રહ્યું હતું અને સાથે જ વ્યાપક મુદ્દાઓને એમાં કવર કરવામાં આવ્યા હતા. વડા પ્રધાન મોદીની અધ્યક્ષતામાં યોજાનારી G20 સમિટમાં ભાગ લેવા માટે બાઇડન નવી દિલ્હી આવી પહોંચ્યા એ પછી તરત જ આ મીટિંગ યોજાઈ હતી. બાઇડને મોદીની સાથે ડિનર પણ કર્યું હતું.
બાઇડનની વિઝિટ દરમ્યાન સ્મૉલ મૉડ્યુલર ન્યુક્લિયર રીઍક્ટર્સ માટે ન્યુક્લિયર સંધિની શક્યતા રહેલી છે. એ સિવાય બીજી મહત્ત્વની બાબત એ છે કે અમેરિકા, સાઉદી અરેબિયા, ભારત અને અન્ય કેટલાક દેશો એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડીલ માટે ચર્ચા કરી રહ્યા છે, જેમાં ગલ્ફ અને દ​િક્ષણ એશિયા વચ્ચે વેપાર વધારવા રેલવે દ્વારા જોડાણ અને બંદરો દ્વારા ભારતને કનેક્ટ કરવાનો પ્રસ્તાવ છે.
વડા પ્રધાનની ઑફિસમાંથી જણાવવામાં આવ્યું હતું કે ‘તેમની ચર્ચામાં વ્યાપક મુદ્દા સામેલ હતા અને સાથે જ ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો વધારે મજબૂત કરવાની વાત સામેલ હતી.’ અધિકારીઓએ આ પહેલાં જણાવ્યું હતું કે ‘જેટ એન્જિન્સ માટે ડીલ, પ્રિડેટર ડ્રોન્સની ખરીદી તેમ જ 5G અને 6G નેટવર્ક્સ જેવી મહત્ત્વની ટેક્નૉલૉજીઝ માટે કોલૅબરેશન જેવા ટોપિક્સ પર ચર્ચાની શક્યતા છે. 
આ મીટિંગમાં અમેરિકાના પક્ષેથી અમેરિકાના નાણાપ્રધાન જેનેટ યેલેન, વિદેશપ્રધાન ઍન્થની બ્લિન્કન તેમ જ અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવન; જ્યારે ભારત પક્ષેથી વિદેશપ્રધાન એસ. જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ ઉપસ્થિત હતા. 

g20 summit national news narendra modi joe biden