20 July, 2023 09:28 AM IST | Srinagar | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં આતંકવાદીઓએ વન વિભાગના બે કર્મચારીઓને ગોળી મારીને ઈજા પહોંચાડી હતી, જ્યારે અન્ય એક ઘટનામાં સેનાએ ઘૂસણખોરી કરી રહેલા બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા
પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે સુરક્ષા દળને જાણ કરવામાં આવી હતી કે આતંકવાદીઓએ વન વિભાગના કર્મચારીઓની ટીમ પર ફાયરિંગ કર્યું છે. વન વિભાગે દક્ષિણ કાશ્મીરમાં બાગેન્ડર બ્રિજ પાસે લાકડાંચોરોને ઝડપી પાડવા માટે ચેક પોસ્ટ બનાવી છે. ઘટનાની તપાસ કરવા માટે પોલીસ અધિકારીઓ વધારાનાં સુરક્ષા દળો સાથે સ્થળ પર પહોંચ્યાં હતાં.
ફાયરિંગમાં ઈજાગ્રસ્ત વન વિભાગના કર્મચારી ઇમરાન યુસુફ વાની અને જહાંગીર અહેમદ ચેચીને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
બીજી ઘટનામાં સુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લામાં નિયંત્રણ રેખા પર ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો અને બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા.
આર્મીના શ્રીનગરસ્થિત ચિનાર કોર્પ્સે ટ્વીટમાં જણાવ્યું હતું કે ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલા સંયુક્ત ઑપરેશનમાં કુપવાડાના મચ્છલ સેક્ટરમાં એલઓસી પર સતર્ક સૈનિકો દ્વારા ગઈ કાલે સવારે ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો. ચિનાર કોર્પ્સે ઉમેર્યું કે એન્કાઉન્ટર સ્થળ પરથી ચાર એકે રાઇફલ્સ અને છ હૅન્ડ ગ્રેનેડ મળી આવ્યા હતા.