ગૌરક્ષક બાબાને ટ્રકે કચડી નાખ્યા પછી મથુરામાં તંગદિલી

22 March, 2026 11:31 AM IST  |  Mathura | Gujarati Mid-day Correspondent

અનુયાયીઓએ હાઇવે જૅમ કર્યો, આરોપીઓનું એન્કાઉન્ટર કરવાની માગણી

ચંદ્રશેખર સિંહ બાબાની હત્યા પછી મથુરામાં ગઈ કાલે ગૌરક્ષકો વિરોધ માટે રસ્તા પર ઊતરી આવ્યા હતા. એને કારણે જબરદસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

મથુરામાં ૪૫ વર્ષના ગૌરક્ષક ફરસાવાલે બાબા ઉર્ફે ચંદ્રશેખર સિંહ બાબાને એક ટ્રકે કચડી નાખતાં તેમનું મૃત્યુ થયું હતું. બાબાના એક સાથીએ દાવો કર્યો હતો કે વહેલી સવારે બાબા અને તેમના બે સાથીઓ પશુઓ ભરેલી ટ્રકનો પીછો કરી રહ્યા હતા. ટ્રકને ઓવરટેક કર્યા પછી બાબાએ ટ્રકની આગળ પોતાની બાઇક ઊભી રાખી હતી, પણ અચાનક ટ્રકના ડ્રાઇવરે ગતિ વધારીને બાબાને કચડી નાખ્યા હતા અને ભાગી ગયો હતો. બાબાએ ઘટનાસ્થળે જ છેલ્લા શ્વાસ લીધા હતા.

આ ઘટનાના સમાચાર આ વિસ્તારમાં આગની જેમ ફેલાઈ ગયા હતા અને થોડી જ વારમાં દિલ્હી-મથુરા-કલકત્તા હાઇવે પર હજારો લોકો ભેગા થઈ જતાં ટ્રાફિક જૅમ થયો હતો. લોકોએ આરોપીઓનું એન્કાઉન્ટર કરવાની માગણી કરી હતી. પોલીસ જૅમ હટાવવા પહોંચી ત્યારે ભીડે તેમનો પીછો કર્યો હતો અને પથ્થરમારો પણ કર્યો હતો, જેને કારણે કેટલાક પોલીસકર્મચારીઓ લોહીલુહાણ થઈ ગયા હતા. લોકોએ પાંચથી છ પોલીસ-વાહનોમાં તોડફોડ કરીને એની બારીઓ તોડી નાખી હતી. પરિસ્થિતિ કાબૂ બહાર જતી જોઈને પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને ટિયરગૅસના શેલ છોડ્યા હતા.

તપાસનો આદેશ

મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે આ ઘટનાની નોંધ લીધી છે અને કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. યોગી આદિત્યનાથે કહ્યું હતું કે આરોપીઓને બક્ષવામાં નહીં આવે. 

પોલીસે શું કહ્યું?

આ મુદ્દે ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ શૈલેશ પાંડેએ કહ્યું હતું કે ‘શંકાના આધારે બાબા એક ટ્રકને રોકીને એની તપાસ કરી રહ્યા હતા. સવારે ધુમ્મસને કારણે પાછળથી આવતી એક ટ્રક પાર્ક કરેલી ટ્રક સાથે અથડાઈ હતી, જેની બાબાને ટક્કર લાગી હતી. ટ્રકમાં કોઈ પશુઓ નહોતાં.’ 

આઠ વર્ષની વયે ઘર છોડ્યું

ફરસાવાલા બાબા નિર્ભય હતા અને પોતાની સાથે ફરસો રાખતા હોવાથી તેમને આ ઉપનામ મળ્યું હતું. તેઓ મૂળ ફિરોઝાબાદના સિરસાગંજ લંગડા ગામના રહેવાસી હતા. તેઓ ૮ વર્ષની ઉંમરે સાધુ બન્યા હતા. માતા-પિતાને છોડીને તેઓ અયોધ્યા ગયા હતા. તેમણે શ્રી રામ જન્મભૂમિ ચળવળમાં ભાગ લીધો હતો. ૨૦ વર્ષ અયોધ્યામાં રહ્યા પછી તેઓ બ્રજ પાછા ફર્યા હતા. ત્યાં તેમણે ગાયોની સેવા કરવાની પ્રતિજ્ઞા લીધી અને ગૌશાળા ચલાવવાનું શરૂ કર્યું હતું. તેઓ ગામડે-ગામડે ફરતા હતા. તેમણે ગૌરક્ષકોની એક ટીમ બનાવી હતી. તેમની પાસે હવે લગભગ ૨૦૦ યુવાનોની ટીમ છે. તેઓ કોસીકલાન અને મથુરા આસપાસના વિસ્તારોમાં ગાયની ગેરકાયદે તસ્કરી પર નજર રાખતા હતા. તેઓ બ્રજમાં ખૂબ જ લોકપ્રિય હતા.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મથુરામાં કરી પૂજા-અર્ચના

ગઈ કાલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો ઉત્તર પ્રદેશની ૩ દિવસની યાત્રાનો છેલ્લો દિવસ હતો. ગઈ કાલે તેમણે ગોવર્ધનના દાનઘાટી મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી અને સાથે ગોવર્ધન પર્વતની ૨૧ કિલોમીટર લાંબી સપ્તકોસી પરિક્રમા પણ કરી હતી. ગોવર્ધનમાં આવેલી માનસી ગંગામાં ફૂલો અર્પણ કરીને શીશ નમાવ્યું હતું. 

national news india mathura Crime News yogi adityanath