ધરપકડ ન કરે તો શું કિસ કરે?

12 March, 2023 09:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેલંગણના બીજેપીના અધ્યક્ષ બંદી સંજયે બીઆરએસનાં નેતા કે. કવિતા વિશે આવી કમેન્ટ કરતાં હંગામો મચી ગયો

પ્રતીકાત્મક તસવીર

નવી દિલ્હીઃ બીઆરએસ (ભારત રાષ્ટ્ર સમિતિ)ના વર્કર્સ અને સપોર્ટર્સે ગઈ કાલે દિલ્હીમાં તેલંગણના બીજેપીના અધ્યક્ષ બંદી સંજયનો ભારે વિરોધ કર્યો હતો. જેનું કારણ એ છે કે તેમણે બીઆરએસનાં નેતા કે. કવિતાની વિરુદ્ધ ખૂબ વાંધાજનક કમેન્ટ કરી હતી. પ્રદર્શનકર્તાઓએ બંદી સંજયનું પૂતળું પણ બાળ્યું હતું. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર રિસન્ટ્લી બીજેપીના અધ્યક્ષને સવાલ કરવામાં આવ્યો હતો કે શું દિલ્હી લિકર કૌભાંડના કેસમાં કવિતાની ધરપકડ કરવામાં આવશે કે નહીં? એના જવાબમાં તેમણે રિપોર્ટર્સને જણાવ્યું હતું કે ‘તેઓ તેની ધરપકડ ન કરે તો શું તેને કિસ કરે?’

બીઆરએસના નેતાઓએ આ કમેન્ટની આકરી ટીકા કરી છે. જે બદલ હૈદરાબાદમાં પોલીસ-કેસ પણ દાખલ કરાયો છે. બીઆરએસએ બંદી સંજયના પોસ્ટર્સ સાથે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે ‘તેલંગણ બીજેપીના અધ્યક્ષ બંદી સંજયની વાંધાજનક કમેન્ટ્સથી તેલંગણને આઘાત લાગ્યો છે.’

દિલ્હી લિકર કૌભાંડમાં શંકાસ્પદ ભૂમિકા બદલ કે. કવિતાની વિરુદ્ધ કેન્દ્રીય તપાસ એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.  

નવ કલાક સુધી પૂછપરછ

કે. કવિતાની ગઈ કાલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ દ્વારા નવ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. તેમને ૧૬ માર્ચે ફરી સમન્સ બજાવવામાં આવ્યાં છે. આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયા આ જ કેસમાં ઈડીની કસ્ટડીમાં છે. આ કેસમાં સંડોવાયેલા ‘સાઉથ ગ્રૂપ’માં કે. કવિતા સામેલ હોવાનો આરોપ છે.

national news telangana bharatiya janata party