જ્યાં સુધી ઇસ્લામ રહેશે ત્યાં સુધી આતંકવાદ રહેશે

07 May, 2025 01:46 PM IST  |  Dhaka | Gujarati Mid-day Correspondent

દેશનિકાલ કરાયેલાં બંગલાદેશી લેખિકા તસ્લીમા નસરીન કહે છે...

બંગલાદેશી લેખિકા તસ્લીમા નસરીન

દેશનિકાલ કરાયેલાં બંગલાદેશી લેખિકા તસ્લીમા નસરીને પહલગામ આતંકવાદી અટૅક અને ૨૦૧૬માં ઢાકામાં થયેલા આતંકવાદી હુમલા વચ્ચે સમાનતા દર્શાવીને કહ્યું છે કે જ્યાં સુધી ઇસ્લામ રહેશે ત્યાં સુધી આતંકવાદ રહેશે.

રવિવારે દિલ્હી લિટરેચર ફેસ્ટિવલમાં એક સત્રમાં બોલતાં બહુચર્ચિત બુક ‘લજ્જા’નાં લેખિકાએ એમ પણ કહ્યું કે ૧૪૦૦ વર્ષોમાં પણ ઇસ્લામ વિકસિત થયો નથી. જ્યાં સુધી એ વિકસિત નહીં થાય ત્યાં સુધી ઇસ્લામ આતંકવાદીઓ ઉત્પન્ન કરવાનું ચાલુ રાખશે.

૨૨ એપ્રિલે પહલગામમાં આતંકવાદીઓએ કરેલા ગોળીબારમાં ૨૬ નિર્દોષ ટૂરિસ્ટોએ જીવ ગુમાવ્યો હતો. ૨૦૧૬માં પહેલી જુલાઈએ ઢાકાની હોલી આર્ટિસન બેકરીમાં આતંકવાદીઓના જૂથે કરેલા ગોળીબારમાં ૨૯ લોકોએ જીવ ગુમાવ્યો હતો.

વિદેશોમાં થઈ રહેલા પરિવર્તન વિશે બોલતાં ૬૨ વર્ષનાં આ લેખિકાએ કહ્યું હતું કે ‘યુરોપમાં ચર્ચો મ્યુઝિયમમાં ફેરવાઈ ગયાં છે, પરંતુ મુસ્લિમો દરેક જગ્યાએ મસ્જિદો બનાવવામાં વ્યસ્ત છે. હજારો મસ્જિદો છે અને તેઓ હજી પણ વધુ ઇચ્છે છે. તેઓ જે ઉત્પન્ન કરે છે એ જેહાદી છે. ક્યાંય મદરેસા ન હોવી જોઈએ. બાળકોએ ફક્ત એક જ નહીં, બધાં પુસ્તકો વાંચવાં જોઈએ.’

ભારતમાં ઘર જેવું લાગે છે

ઈશનિંદાના આરોપો બાદ તસ્લીમા નસરીનનો ૧૯૯૪માં બંગલાદેશમાંથી દેશનિકાલ કરવામાં આવ્યો હતો અને ત્યારથી તેઓ સ્વીડન, અમેરિકા અને ભારતમાં રહે છે. આ મુદ્દે બોલતાં તેમણે કહ્યું હતું કે હું ‘અમેરિકાની કાયમી રહેવાસી છું અને ત્યાં ૧૦ વર્ષથી રહું છું, પરંતુ મને હંમેશાં બહારની વ્યક્તિ જેવું લાગે છે. જ્યારે હું કલકત્તા આવી ત્યારે જ મને ઘર જેવું લાગ્યું. પશ્ચિમ બંગાળમાંથી કાઢી મુકાયા પછી પણ મને દિલ્હીમાં બીજું ઘર મળ્યું. આ દેશે મને પોતાના દેશ જેવો અહેસાસ આપ્યો છે, જે મારો પોતાનો દેશ પણ આપી શક્યો નથી. હું ભારતને પ્રેમ કરું છું. અહીં ઘર જેવું લાગે છે. બંગલાદેશમાં મહિલાઓ પોતાના મૂળભૂત અધિકારોથી વંચિત છે.’

યુનિફૉર્મ સિવિલ કોડનું સમર્થન

યુનિફૉર્મ સિવિલ કોડ (UCC)નું સમર્થન કરતાં તસ્લીમા નસરીને કહ્યું હતું કે ભારત સહિત તમામ સભ્ય દેશમાં UCC હોવો જોઈએ. હું એનું સમર્થન કરું છું. ઇસ્લામિક ધર્મગુરુઓ કુરાન મુજબના અધિકારો ઇચ્છે છે. અધિકારો ક્યારેય ધાર્મિક ન હોવા જોઈએ. જો સંસ્કૃતિ, ધર્મ અથવા પરંપરાના નામે મહિલાઓની સુરક્ષા સાથે ચેડાં કરવામાં આવે તો આપણે એ સંસ્કૃતિ પર પ્રશ્ન ઉઠાવવો જોઈએ. જે સમાજ એની અડધી વસ્તીનું રક્ષણ કરી શકતો નથી, એ નિષ્ફળ સમાજ છે.’

bangladesh dhaka national news news pakistan Pahalgam Terror Attack terror attack religion