25 December, 2025 06:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઝટપટ ઑર્ડર ઘેરબેઠાં આવી જાય એવાં પ્લૅટફૉર્મ્સને કારણે લોકોની ખરીદી કરવાની પૅટર્નમાં પણ બદલાવ આવ્યો છે. ૨૦૨૫ની સાલમાં સ્વિગી ઇન્સ્ટામાર્ટે વર્ષનું સરવૈયું કાઢીને કેટલાક ચોંકાવનારા આંકડાઓ બહાર પાડ્યા છે. આ વર્ષે લોકોએ દૂધ, ફળો અને શાકભાજી જેવી રોજબરોજની ચીજો ઉપરાંત સોનું અને આઇફોન પણ ઇન્સ્ટામાર્ટ પરથી મગાવ્યાં છે. સૌથી વધુ ચેન્નઈનો એક કસ્ટમર ચર્ચામાં છે. તેણે આખા વર્ષમાં માત્ર કૉન્ડોમ પર ૧,૦૬,૩૯૮ રૂપિયા ખર્ચ્યા હતા. રિપોર્ટ કહે છે કે ઇન્સ્ટામાર્ટ પર કૉન્ડોમ ખૂબ લોકપ્રિય પ્રોડક્ટ છે, કેમ કે દર ૧૨૭ ઑર્ડરમાંથી એકમાં કૉન્ડોમનો પણ સમાવેશ થતો હતો. ખાસ તો સપ્ટેમ્બર મહિનામાં કૉન્ડોમનું વેચાણ ૨૪ ટકા વધી ગયું હતું.
આ વર્ષે કસ્ટમરોએ ઝટપટ ડિલિવરી પ્લૅટફૉર્મ્સ પર નાની-નાની રોજબરોજની ચીજો જ નહીં, મોંઘી ચીજો ખરીદવામાં પણ કોઈ કસર નથી છોડી. મુંબઈના એક માણસે ઇન્સ્ટામાર્ટ પરથી ૧૫,૧૬,૦૦૦ રૂપિયાનું સોનું ખરીદ્યું હતું. દિવાળી વખતે બૅન્ગલોરના એક માણસે ૧.૯૭ લાખ રૂપિયાની ૧ કિલોની ચાંદીની ઈંટ ઑર્ડર કરી હતી. બૅન્ગલોરના એક યુઝરે માત્ર નૂડલ્સ માટે ૪,૩૬,૧૫૩ રૂપિયા ખર્ચ્યા હતા તો મુંબઈના એક માણસે શુગર-ફ્રી રેડબુલના કૅન ખરીદવા પાછળ ૧૬,૩૦,૦૦૦ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. હૈદરાબાદના એક યુઝરે એકસાથે ૩ iphone 17sનો ઑર્ડર કર્યો હતો જેની કિંમત ૪,૩૦,૦૦૦ રૂપિયા હતી. આ ૨૦૨૫નો સૌથી મોટો સિંગલ ઑર્ડર હતો. એક ઇન્સ્ટામાર્ટ યુઝરે એક વર્ષમાં બાવીસ લાખ રૂપિયા વાપર્યા હતા. જોકે બૅન્ગલોરના એક યુઝરે દિલ ખોલીને એક વર્ષમાં ૬૮,૬૦૦ રૂપિયાની ટિપ આપી હતી. ટિપ આપવામાં બીજા નંબરે ચેન્નઈના એક માણસે ૫૯,૫૦૦ રૂપિયા વાપર્યા હતા.