10 May, 2025 10:21 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
જ્યોતિષી સ્વામી યોગેશ્વરાનંદગિરિ
પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધજન્ય પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યારે આશરે નવ મહિના પહેલાં સ્વામી યોના નામે જાણીતા આધ્યાત્મિક સ્વામી અને જ્યોતિષી સ્વામી યોગેશ્વરાનંદગિરિએ રણવીર અલાહાબાદિયાના પૉડકાસ્ટ ‘ધ રણવીર શો’માં આગાહી કરી હતી કે પચીસ મેની આસપાસ યુદ્ધ થશે અને એ સમય ભારતનો ગોલ્ડન ટાઇમ હશે. નવ મહિના પહેલાં રિલીઝ થયેલા પૉડકાસ્ટની આ ક્લિપ હાલમાં સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ છે.
‘ધ રણવીર શો’ પૉડકાસ્ટમાં સ્વામી યોએ એક આશ્ચર્યજનક આગાહી કરતાં કહ્યું હતું કે ૨૦૨૫ની ૨૫ મેએ એક મહાન યુદ્ધ ફાટી નીકળશે. બુધવારે રણવીર અલાહાબાદિયાએ ઇન્સ્ટાગ્રામ પર સ્વામી યોના પૉડકાસ્ટની એક ટૂંકી ક્લિપ પોસ્ટ કરી હતી, જેમાં સ્વામી યો એમ જણાવી રહ્યા છે કે ‘૨૦૨૫માં ૩૦ મેની આસપાસ ગ્રહોની એવી પરિસ્થિતિ ઊભી થશે કે યુદ્ધ થવાનો ચાન્સ છે. જ્યોતિષીની દૃષ્ટિએ જોતાં છ ગ્રહોનાં સમીકરણ આવું દર્શાવે છે. મહાભારત અને અન્ય મોટાં યુદ્ધો જેવી મહત્ત્વપૂર્ણ ઐતિહાસિક ઘટનાઓ દરમ્યાન જોવા મળેલી ગ્રહોની
આવી ફરી ગોઠવણી આ વાતને પ્રતિબિંબિત કરે છે. કોઈના કહેવાથી આમ થવાનું નથી, આ ગણિત છે, આ સમય ભારત માટે એક અવસર સમાન છે. હું વિશ્વાસપૂર્વક કહી શકું છું કે આ ભારતના સુવર્ણ યુગની શરૂઆત દર્શાવે છે.’
પહલગામના આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ભારતે પાકિસ્તાનના આતંકવાદી અડ્ડાઓના વિરોધમાં ચલાવેલા ઑપરેશન સિંદૂર પછી તેમની આ આગાહી વાઇરલ થઈ છે.