16 September, 2025 12:38 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સુપ્રીમ કોર્ટમાં બિહાર સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) એટલે કે મતદાર ચકાસણી વિરુદ્ધ દાખલ થયેલી અરજીઓમાં કહેવાયું હતું કે ચૂંટણીપંચ પ્રક્રિયાનું પાલન કરતું નથી અને નિયમોની અવગણના કરવામાં આવી રહી છે. આના પર સુનાવણી કરતાં કોર્ટે કહ્યું હતું કે ‘અમે માનીશું કે ચૂંટણીપંચ એની જવાબદારી સમજે છે. જો કોઈ અનિયમિતતા કે ગરબડ હશે તો અમે એની તપાસ કરીશું. જો બિહારમાં SIR દરમ્યાન અપનાવાયેલી પ્રક્રિયામાં કોઈ અયોગ્યતા જણાશે તો પૂરી પ્રક્રિયા રદ કરવામાં આવશે.’
ન્યાયાધીશ સૂર્યકાંત શર્મા અને જોયમાલા બાગચીની સંયુક્ત બેન્ચે કહ્યું હતું કે ‘બિહાર SIR પર ટુકડાઓમાં નિર્ણય નહીં આપી શકાય. જે નિર્ણય હશે એ સમગ્ર ભારતની મતદાર ચકાસણી પર લાગુ થશે.’
આ કેસની સુનાવણી હવે ૭ ઑક્ટોબરે થશે. પહેલી ઑક્ટોબરે ફાઇનલ વોટર-લિસ્ટ જાહેર થવાનું હોવાથી અરજીકર્તાઓએ આ મામલે પહેલી ઑક્ટોબર પહેલાં સુનાવણીની માગણી કરી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે દશેરાને કારણે કોર્ટ ૨૮ સપ્ટેમ્બરથી એક વીક માટે બંધ છે એટલે એ શક્ય નથી.