13 October, 2026 02:54 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
અભિજિત દીપકે
આશુતોષ રાંકાએ કટાક્ષ કરતાં કહ્યું કે વિરોધ-પ્રદર્શન કરવા માટે હવે માઉન્ટ એવરેસ્ટની જાહેરાત કરવી જોઈએ જેથી કોઈ વિરોધ જ કરી ન શકે
દિલ્હી પોલીસે જંતર મંતરને વિરોધ-પ્રદર્શન માટેનું ડી-નોટિફાઇડ સ્થળ જાહેર કરતાં કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના નેતાઓએ કેન્દ્ર સરકાર અને પોલીસ પર આકરા પ્રહારો કર્યા હતા. સત્તાધીશોએ હવે પ્રદર્શનો માટે રામલીલા મેદાન, બુરાડી ગ્રાઉન્ડ અને CBD ગ્રાઉન્ડ એમ ૩ વૈકલ્પિક સ્થળો નક્કી કર્યાં છે.
આ નિર્ણય પર આકરી પ્રતિક્રિયા આપતાં CJPના સ્થાપક અભિજિત દીપકેએ વડા પ્રધાન પર પ્રહાર કરતાં કહ્યું હતું કે ‘ડરપોક સરમુખત્યારે જંતર મંતરને યુદ્ધના મેદાનમાં ફેરવી દીધું છે. આજે જંતર મંતર છીનવ્યું છે, આવતી કાલે લોકશાહી છીનવી લેશે; પણ હવે આખો દેશ જંતરમંતર બનશે.’
અભિજિત દીપકેએ આક્ષેપ કર્યો હતો કે સરકારને વિરોધ-પ્રદર્શનના સ્થળ સામે નહીં પરંતુ લોકોના વિરોધ કરવાના વિચારથી જ તકલીફ છે.
CJPના સહસંયોજક સૌરવ દાસે પણ ગૃહમંત્રાલયની ઝાટકણી કાઢતાં સવાલ ઉઠાવ્યો હતો કે શું આ નિર્ણય લેતાં પહેલાં નાગરિકો કે કોઈ સંસ્થાની સલાહ લેવામાં આવી હતી? તેમણે આ પગલાને નાગરિકોના મૂળભૂત અધિકારો પર સીધો હુમલો ગણાવ્યો હતો. CJPના અન્ય નેતા આશુતોષ રાંકાએ પણ વૈકલ્પિક સ્થળોની મજાક ઉડાવતાં કટાક્ષ કર્યો હતો કે પ્રદર્શન માટે માઉન્ટ એવરેસ્ટ કેમ પસંદ ન કર્યો? નોંધનીય છે કે આ મુદ્દે વિપક્ષનું વલણ વધુ આક્રમક બની રહ્યું છે.
મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર વિરુદ્ધની બધી અરજીઓ સ્વીકારવામાં આવી છે અને સુપ્રીમ કોર્ટ ૨૭ ઑક્ટોબરે એકસાથે સુનાવણી કરશે. જે અરજીઓને મંજૂરી આપવામાં આવી છે એમાં કુલ ૧૧ અરજદારો છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની સાથે ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશીનું પણ પ્રતિવાદી તરીકે નામ આપવામાં આવ્યું છે.
આ અરજીઓ ચૂંટણી અનિયમિતતાઓ અને સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા સંબંધિત મુદ્દાઓ ઉઠાવે છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે એણે ફૉર્મ 6 વિશે કોઈ નિર્ણય પસાર કર્યો નથી, બિહારમાં ફૉર્મ 6નો કોઈ મુદ્દો નહોતો કે કોઈ મંજૂરી આપવામાં આવી નથી.
અરજદારોમાં સંજય રાઉત, એમ.એ. બેબી, ડી. રાજા, મહુઆ માઝી, સુપ્રિયા સુળે અને ઈ.ટી. મોહમ્મદ બશીરનો પણ સમાવેશ છે. રાહુલ ગાંધી ઉપરાંત અરજદારોમાં મલ્લિકાર્જુન ખડગે, સૌગત રૉય, અખિલેશ યાદવ અને તેજસ્વી યાદવનો પણ સમાવેશ થાય છે. જ્ઞાનેશ કુમારની કામગીરી પર સવાલ ઉઠાવતી આ અરજીઓ દાખલ કરવામાં આવી છે. આ અરજીઓને જોડીને સુપ્રીમ કોર્ટે હવે તેમની એકસાથે સુનાવણી કરવાનો નિર્ણય લીધો છે.