બહુપત્નીત્વ અને નિકાહ હલાલા સામે સુનાવણી માટે નવી બેન્ચ બનાવશે સુપ્રીમ કોર્ટ

24 March, 2023 11:41 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સુપ્રીમ કોર્ટે ગઈ કાલે કહ્યું હતું કે મુસ્લિમોમાં બહુપત્નીત્વ અને નિકાહ હલાલાની બંધારણીય માન્યતાને પડકારતી અરજીઓની સુનાવણી યોગ્ય તબક્કે પાંચ જજોની નવી બંધારણીય બેન્ચ કરશે.

સુપ્રિમ કોર્ટ

ઍક્સેન્ચર ૧૯,૦૦૦ કર્મચારીઓની હકાલપટ્ટી કરશે
વૉશિંગ્ટન ઃ ટેક વર્લ્ડમાં અત્યારે છટણીની સીઝન ચાલી રહી છે ત્યારે આઇટી સર્વિસ ફર્મ ઍક્સેન્ચરે ગઈ કાલે ૧૯,૦૦૦ કર્મચારીઓની હકાલપટ્ટી કરવાની જાહેરાત કરી હતી. એ સિવાય આ કંપનીએ એના વાર્ષિક રેવન્યુ અને પ્રૉફિટના અંદાજમાં પણ ઘટાડો કર્યો છે, જે સૂચવે છે કે દુનિયાભરમાં અત્યારે આર્થિક મોરચે અનિશ્ચિતતાનો માહોલ છે ત્યારે એને લીધે કૉર્પોરેટ ગ્રુપ્સ દ્વારા આઇટી સર્વિસિસની પાછળ ખર્ચમાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે. આ કંપનીને હવે એનો ઍન્યુઅલ રેવન્યુ ગ્રોથ ૮થી ૧૦ ટકાની રેન્જમાં રહેવાની અપેક્ષા છે. 

ગૂગલ થયું ડાઉન, યુઝર્સ થયા પરેશાન
વૉશિંગ્ટન ઃ ટેક જાયન્ટ ગૂગલની સર્વિસિસને ગઈ કાલે અસર થઈ હતી. અનેક યુઝર્સને ગૂગલની યુટ્યુબ, ડ્રાઇવ, જીમેઇલ અને અન્ય સર્વિસિસમાં લૉગ ઇન કરવામાં મુશ્કેલી થઈ હતી. ટેક આઉટેજના રિપોર્ટિંગ માટેના ઑનલાઇન ટૂલ ડાઉનડિટેક્ટર અનુસાર સવારે ૧૧ વાગ્યા પછી ગૂગલ સર્વિસિસના આઉટેજની ૨૦૦૦થી વધુ ફરિયાદો થઈ છે. અનેક યુઝર્સે જણાવ્યું હતું કે તેમને મેઇલ મેળવવામાં પણ મુશ્કેલી થઈ રહી છે. ટ્વિટર પર અનેક યુઝર્સે સ્ક્રીનશૉટ પોસ્ટ કરીને જણાવ્યું હતું કે તેમને જીમેઇલ એક્સેસ કરવામાં પ્રૉબ્લેમ થયો હતો. ભારતમાં પણ આઉટેજની અસરો જોવા મળી હતી. 

બહુપત્નીત્વ અને નિકાહ હલાલા સામે સુનાવણી માટે નવી બેન્ચ બનાવશે સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી (પી.ટી.આઇ.) : સુપ્રીમ કોર્ટે ગઈ કાલે કહ્યું હતું કે મુસ્લિમોમાં બહુપત્નીત્વ અને નિકાહ હલાલાની બંધારણીય માન્યતાને પડકારતી અરજીઓની સુનાવણી યોગ્ય તબક્કે પાંચ જજોની નવી બંધારણીય બેન્ચ કરશે. ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ, જસ્ટિસ પી. એસ. નરસિંહા અને જે. બી. પારડીવાલાની બેન્ચને વકીલ અશ્વિની ઉપાધ્યાય દ્વારા વિનંતી કરવામાં આવી હતી કે ઇન્ડિયન પીનલ કોડની કલમ ૪૯૪ અંતર્ગત લગ્ન અને હલાલાને મંજૂરી આપવામાં આવી છે એને રદ કરવાની જરૂર છે. 
ગયા વર્ષે ૩૦ ઑગસ્ટે પાંચ જજોની બેન્ચે આ મામલે થયેલી જનહિતની અરજીના આધારે નૅશનલ હ્યુમન રાઇટ્સ કમિશન, નૅશનલ કમિશન ફૉર વુમન અને નૅશનલ કમિશન ફૉર માઇનૉરિટીની પક્ષકાર બનાવીને તેમના જવાબ માગ્યા હતા. ગયા વર્ષે બે જજ નિવૃત્ત થયા હતા એથી બહુપત્નીત્વ અને નિકાહ હલાલાની પ્રથા સામે આઠ અરજીઓની સુનાવણી માટે બેન્ચની પુનર્રચનાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. અશ્વિની ઉપાધ્યાયે જનહિતની અરજીમાં કહ્યું હતું કે બહુપત્નીત્વ મુસ્લિમ પુરુષને ચાર પત્ની રાખવાની મંજૂરી આપે છે ત્યારે નિકાહ હલાલા પ્રક્રિયા મુજબ છૂટાછેડા બાદ પતિ સાથે ફરીથી લગ્ન કરવા માગતી મુસ્લિમ મહિલાએ અન્ય વ્યક્તિ સાથે લગ્ન કરવાં પડે છે અને એમાંથી છૂટાછેડા લેવા પડે છે. આ પ્રથાને ગેરકાયદે જાહેર કરવાની માગણી કરવામાં આવી છે. 

ફ્રાન્સ વિરોધ-પ્રદર્શનથી સળગ્યું


ફ્રાન્સના બેયોન્નેમાં ગઈ કાલે એક વિરોધ-રૅલી દરમ્યાન પોલીસ સાથે અથડામણ કરી રહેલા પ્રદર્શનકર્તાઓ. સંસદમાં મતદાન વિના સરકાર દ્વારા રિટાયરમેન્ટની એજમાં વધારો કરતાં લોકો રોષે ભરાયા છે. આ મામલે વિરોધ પ્રદર્શ‌ન આક્રમક બન્યું છે.

national news google supreme court