12 August, 2025 11:11 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભારતીય સેનાની કાનૂની શાખા જજ ઍડ્વોકેટ જનરલ (JAG)માં પુરુષ અધિકારીઓની ભરતી માટે બનાવેલી અનામત નીતિને સુપ્રીમ કોર્ટે રદ કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કાનૂની શાખામાં પુરુષો અને મહિલાઓ માટે ૨:૧ અનામત નીતિ સમાનતાના અધિકારનું ઉલ્લંઘન છે. આ પ્રથા મનસ્વી છે. અનામત નીતિ હેઠળ મહિલાઓ કરતાં પુરુષોને વધુ જગ્યાઓ ફાળવવી ખોટી છે.
જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ મનમોહનની બેન્ચે કહ્યું કે અમારું માનવું છે કે કારોબારી નીતિ અથવા વહીવટી સૂચનાઓ દ્વારા ભરતીના નામે પુરુષ અધિકારીઓની સંખ્યા મર્યાદિત કરી શકાતી નથી અથવા તેમના માટે અનામત આપી શકાતી નથી. વિવાદાસ્પદ નૉટિફિકેશનમાં પુરુષ ઉમેદવારો માટે છ ખાલી જગ્યાઓ સામે મહિલા ઉમેદવારો માટે માત્ર ત્રણ ખાલી જગ્યાઓ પૂરી પાડવામાં આવી છે. આ સમાનતાના અધિકારની વિરુદ્ધ છે.