14 February, 2026 11:29 AM IST | Haryana | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
સુપ્રીમ કોર્ટે હરિયાણા સરકારના ગુરુગ્રામમાં અરવલ્લી પ્રાણીસંગ્રહાલય સફારી પ્રોજેક્ટને મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે જ્યાં સુધી નિષ્ણાતો આ પ્રદેશની વ્યાખ્યા નક્કી ન કરે ત્યાં સુધી અમે કોઈને પણ અરવલ્લીની પર્વતમાળાને અડવા નહીં દઈએ. પાંચ નિવૃત્ત ઇન્ડિયન ફૉરેસ્ટ સર્વિસ (IFS) અધિકારીઓ દ્વારા આ પ્રોજેક્ટને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરી હતી. ચીફ જસ્ટિસ સૂર્યકાન્તે કહ્યું હતું કે નિષ્ણાત સમિતિ પોતાનો અભિપ્રાય રજૂ કરે એ પછી આ બાબત પર વિચાર કરવામાં આવશે.
અરવલ્લી પર્વતોની વ્યાખ્યા પર આ મામલાને જોડી દઈને ચીફ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે કહ્યું હતું કે ‘અરવલ્લી એક કૉમ્પોઝિટ રેન્જ છે. એ ન તો હરિયાણાથી શરૂ થાય છે અને ન તો હરિયાણામાં સમાપ્ત થાય છે. જ્યાં સુધી અરવલ્લી પર સ્પષ્ટ વ્યાખ્યા ન થાય ત્યાં સુધી પ્રોજેક્ટને મંજૂરી આપવાનો કોઈ સવાલ નથી.’
કોર્ટે આ અરજીને અરવલ્લીના અન્ય મુદ્દાઓ સાથે લિસ્ટ કરવાનો નિર્દેશ આપ્યો હતો, જે ૨૬ ફેબ્રુઆરીએ થવાની સંભાવના છે. અરજદારો વતી ઍડ્વોકેટ શિબાની ઘોષે દલીલ કરી હતી કે સફારી પર્યાવરણીય રીતે નાજુક પ્રદેશ માટે મૃત્યુની ઘંટડી હશે. અરજીમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે આ પ્રોજેક્ટ સંરક્ષિત વન લૅન્ડસ્કેપમાં ગેસ્ટ હાઉસ, સ્ટાફ-ક્વૉર્ટર્સ, ઍનિમલ એન્ક્લોઝર, રસ્તાઓ અને ઉપયોગિતા નેટવર્ક સહિત કાયમી માળખાના મોટા પાયે બાંધકામને વેગ આપશે.
કોર્ટે અવલોકન કર્યું હતું કે ‘આ અરજી કોના કહેવા પર દાખલ કરવામાં આવી છે એ અમને ખબર નથી. અમે અરવલ્લી મામલામાં સ્વતંત્ર રીતે એનો સામનો કરીશું.’