08 August, 2026 08:56 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈ કોર્ટના ૨૦૦૫ના એ ઐતિહાસિક ચુકાદાને પડકારતી છેલ્લી અરજી ફગાવી દીધી છે જેમાં હિન્દુજા બ્રધર્સ અને સ્વીડિશ શસ્ત્રઉત્પાદક એબી બોફર્સ સામેના તમામ ક્રિમિનલ કેસ રદ કરવામાં આવ્યા હતા. જસ્ટિસ જે. બી. પારડીવાલા અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની ખંડપીઠે અરજદાર અજય અગ્રવાલની સમયવધારાની માગણી નકારી કાઢી હતી. આ આદેશ સાથે જ ભારતીય રાજનીતિ અને ન્યાયતંત્રમાં ૪ દાયકા સુધી ચાલેલા દેશના સૌથી ચર્ચિત સંરક્ષણ ભ્રષ્ટાચાર કેસનો સત્તાવાર રીતે આખરી અંત આવ્યો છે.
સુનાવણી દરમ્યાન ખંડપીઠે તીખો સવાલ કર્યો હતો કે ૨૦૦૫માં હાઈ કોર્ટે સમગ્ર કેસ રદ કરી દીધો હતો અને ૨૦૧૮માં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ની અરજી પણ ૪૫૨૨ દિવસના વિલંબને કારણે ફગાવી દેવાઈ હતી ત્યારે હવે આ મુદ્દાને વધુ ખેંચવાનો કોઈ જ અર્થ રહેતો નથી.
બોફર્સ વિવાદની શરૂઆત ૧૯૮૬ની ૨૪ માર્ચે થઈ હતી જ્યારે ભારત સરકારે ૪૦૦ તોપો ખરીદવા માટે ૧૪૩૭ કરોડ રૂપિયાનો કરાર કર્યો હતો. ૧૯૮૭માં ૬૪ કરોડ રૂપિયાનું ગેરકાયદે કમિશન આપવાના આક્ષેપો બાદ તત્કાલીન વડા પ્રધાન રાજીવ ગાંધીની સરકાર સામે મોટો રાજકીય ભૂકંપ આવ્યો હતો. તત્કાલીન સંરક્ષણપ્રધાન વી. પી. સિંહે સરકાર છોડીને ૧૯૮૯ની ચૂંટણીમાં એને મુખ્ય વિષય બનાવ્યો હતો. CBIની તપાસ પાછળ તિજોરીના ૨૫૦ કરોડ રૂપિયા ખર્ચાયા છતાં પુરાવાના અભાવે હાઈ કોર્ટે હિન્દુજા પરિવારને તમામ આરોપોમાંથી મુક્ત કર્યો હતો. ૧૯૯૯ના કારગિલ યુદ્ધમાં આ બોફર્સ તોપોએ દુશ્મનો સામે વિજય અપાવવામાં અત્યંત મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. સુપ્રીમ કોર્ટના આ ચુકાદા બાદ હિન્દુજા પરિવાર સામેના તમામ કાનૂની દરવાજા કાયમ માટે બંધ થઈ ગયા છે.