13 June, 2026 10:58 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
લખનઉથી નવી દિલ્હી જઈ રહેલી સ્વર્ણ શતાબ્દી એક્સપ્રેસ પર ફિરોઝાબાદ નજીક થયેલા પથ્થરમારાને કારણે એક્ઝિક્યુટિવ કોચની બારીનો કાચ ફૂટી ગયો હતો
લખનઉથી કાનપુર થઈને નવી દિલ્હી જઈ રહેલી ટ્રેન-નંબર ૧૨૦૦૩ સ્વર્ણ શતાબ્દી એક્સપ્રેસ પર ગુરુવારે સાંજે ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં પથ્થરમારો થવાની ગંભીર ઘટના સામે આવી છે. આ પથ્થરમારામાં ટ્રેનના એક્ઝિક્યુટિવ ક્લાસ (E-1) કોચની બારીનો બહારનો કાચ ફૂટી ગયો હતો. આ ઘટનાની જાણ થતાં જ રેલવે-પ્રશાસન અને સુરક્ષા-એજન્સીઓમાં દોડધામ મચી ગઈ હતી, કારણ કે આ જ ટ્રેનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવત પણ મુસાફરી કરી રહ્યા હતા. રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ પ્રવાસીને ઈજા થઈ નથી અને સંઘપ્રમુખ સંપૂર્ણ સુરક્ષિત છે.
આ ઘટના ફિરોઝાબાદ શહેરના પરમેશ્વર ગેટ નજીક બની હતી, જ્યારે પૂરપાટ ઝડપે દોડતી ટ્રેન પર અજ્ઞાત વ્યક્તિએ પથ્થર ફેંક્યો હતો. પથ્થરમારાની માહિતી મળતાં જ રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP) ઍક્શનમાં આવ્યા હતા અને ટ્રેનને ટુંડલા જંક્શન પર ૭ મિનિટ સુધી રોકીને કડક સુરક્ષા-તપાસ કરવામાં આવી હતી. આ હાઈ-પ્રોફાઇલ મામલો હોવાથી ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. પોલીસે આ સંવેદનશીલ કેસ ઉકેલવા માટે ૬ ટીમ બનાવી છે અને ક્લોઝ સર્કિટ ટેલિવિઝન કૅમેરાનાં ફુટેજના આધારે તપાસ શરૂ કરીને એક શંકાસ્પદ વ્યક્તિને અટકાયતમાં લીધી છે.