સ્ક્વૉડ્રન લીડર ભાવના કંઠ બન્યાં દેશનાં પ્રથમ મહિલા ફાઇટર કૉમ્બૅટ લીડર

08 August, 2026 09:08 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

અત્યંત કઠિન કોર્સ સફળતાપૂર્વક પૂરો કરીને ઇતિહાસ રચ્યો

ભાવના કંઠ

ઇન્ડિયન ઍર ફોર્સ (IAF)નાં સ્ક્વૉડ્રન લીડર ભાવના કંઠે ગ્વાલિયરની ટૅક્ટિક્સ ઍન્ડ ઍર કૉમ્બૅટ ડેવલપમેન્ટ એસ્ટૅબ્લિશમેન્ટ (TACDE) ખાતેથી પ્રતિષ્ઠિત ફાઇટર કૉમ્બૅટ લીડર (FCL) કોર્સ સફળતાપૂર્વક પૂરો કરીને નવો ઇતિહાસ રચ્યો છે. આ સાથે તેઓ IAFની અત્યંત પ્રતિષ્ઠિત સ્કૂલમાંથી ગ્રૅજ્યુએટ થનારાં દેશનાં પ્રથમ મહિલા પાઇલટ બન્યાં છે. FCL એ ફાઇટર પાઇલટ માટે અત્યંત કઠિન ગણાતો બૅજ છે.

TACDEનો આ ૨૦ અઠવાડિયાંનો પ્રોગ્રામ ઍડ્વાન્સ કૉમ્બૅટ તાલીમ પૂરી પાડે છે જેમાં IAFના માત્ર એક ટકા જેટલા પાઇલટો જ સ્થાન મેળવી શકે છે. ભાવના કંઠ જૂન ૨૦૧૬માં અવનિ ચતુર્વેદી અને મોહના સિંહ સાથે દેશનાં પ્રથમ ૩ મહિલા ફાઇટર પાઇલટમાંથી એક તરીકે વાયુસેનામાં જોડાયાં હતાં. તેમણે માર્ચ ૨૦૧૮માં MiG-21 Bison વિમાનમાં પ્રથમ સોલો ઉડ્ડયન કર્યું હતું અને ૨૦૨૧ની પ્રજાસત્તાક દિન પરેડમાં વાયુસેનાની ટુકડીનો ભાગ બન્યાં હતાં.

અમેરિકન નેવીના ‘ટૉપ ગન’ પ્રોગ્રામ જેટલી જ ઍડ્વાન્સ આ સંસ્થા ભારતીય IAF માટે યુદ્ધની રણનીતિઓ ઘડવામાં અત્યંત મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ભાવના કંઠની આ ઐતિહાસિક 
સફળતા ભારતીય સશસ્ત્ર દળોમાં મહિલાઓ માટે પ્રગતિના નવા દરવાજા ખોલવા તરફ અત્યંત મહત્ત્વનો માઇલસ્ટોન સાબિત થશે.

indian air force india national news news