ભાજપનો મોટો દાવો: સોનિયા ગાંધીને ભારતીય નાગરિકતા મળતા પહેલા જ મતદાર યાદીમાં નામ

14 August, 2025 06:58 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Sonia Gandhi`s Name in Voter List: ભાજપ IT સેલના વડા અમિત માલવિયાએ આરોપ લગાવ્યો છે અને દાવો કર્યો છે કે SIR પર હોબાળો મચાવનારા રાહુલ ગાંધીની માતા અને કૉંગ્રેસ નેતા સોનિયા ગાંધી ભારતના નાગરિક બનતા પહેલા જ અહીં મતદાર બની ગયા હતા.

1980ની મતદાર યાદી (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)

બિહારમાં ચાલી રહેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન ઑફ વોટર્સ (SIR) પર સંસદથી લઈને શેરીઓ અને સુપ્રીમ કોર્ટ સુધી ચર્ચા ચાલી રહી છે અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી ચૂંટણી પંચ અને ભાજપ પર મિલીભગતનો આરોપ લગાવીને હુમલો કરી રહ્યા છે, ત્યારે ભાજપે આ મુદ્દે કૉંગ્રેસ અને ગાંધી પરિવાર પર વળતો પ્રહાર કર્યો છે. ભાજપ IT સેલના વડા અમિત માલવિયાએ આરોપ લગાવ્યો છે અને દાવો કર્યો છે કે SIR પર હોબાળો મચાવનારા રાહુલ ગાંધીની માતા અને કૉંગ્રેસ નેતા સોનિયા ગાંધી ભારતના નાગરિક બનતા પહેલા જ અહીં મતદાર બની ગયા હતા. તેમણે કહ્યું કે ભારતીય નાગરિકતા લેતા પહેલા જ સોનિયા ગાંધીનું નામ મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું હતું.

સોશિયલ મીડિયા સાઇટ X પર એક પોસ્ટમાં, અમિત માલવિયાએ દાવો કર્યો હતો કે, "ભારતની મતદાર યાદીમાં સોનિયા ગાંધીનું નામ ઉમેરવું એ ચૂંટણી કાયદાઓનું ઘોર ઉલ્લંઘ છે. કદાચ આ જ કારણ છે કે રાહુલ ગાંધી અયોગ્ય અને ગેરકાયદેસર મતદારોને નિયમિત કરવાના પક્ષમાં છે અને સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)નો વિરોધ કરી રહ્યા છે." માલવિયાએ આગળ લખ્યું, "તેમનું નામ પહેલીવાર 1980 માં મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું હતું. આ તે ભારતીય નાગરિક બની તેના ત્રણ વર્ષ પહેલા થયું હતું. તે સમયે તેમની પાસે ઇટાલિયન નાગરિકતા હતી.

૧૯૮૦માં પહેલી વાર નામ ઉમેરવામાં આવ્યું હતું
તે સમયે સોનિયા ગાંધી અને તેમનો પરિવાર દેશના તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધીના સત્તાવાર નિવાસસ્થાન ૧, સફદરજંગ રોડ પર રહેતા હતા. ત્યાં સુધી, ફક્ત ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, સંજય ગાંધી અને મેનકા ગાંધી જ તે સરનામે નોંધાયેલા મતદારો હતા. ૧૯૮૦માં, નવી દિલ્હી સંસદીય મતવિસ્તારની મતદાર યાદીમાં ૧ જાન્યુઆરી, ૧૯૮૦ને પાત્રતા તારીખ તરીકે ધ્યાનમાં લઈને સુધારો કરવામાં આવ્યો હતો. આ સુધારા દરમિયાન, મતદાન મથક નંબર ૧૪૫ ની મતદાર યાદીમાં સીરીયલ નંબર ૩૮૮ પર સોનિયા ગાંધીનું નામ ઉમેરવામાં આવ્યું હતું.

મતદાર યાદીમાં નામનો સમાવેશ કાયદાનું ઉલ્લંઘન છે: માલવિયા
માલવિયાએ આરોપ લગાવ્યો કે, "મતદાર યાદીમાં આ નોંધ એ કાયદાનું સ્પષ્ટ ઉલ્લંઘન હતું જેમાં મતદાર તરીકે નોંધણી કરાવવા માટે વ્યક્તિ ભારતીય નાગરિક હોવી જરૂરી છે." માલવિયાએ દાવો કર્યો કે, "૧૯૮૨માં ભારે વિરોધ પછી, તેમનું નામ યાદીમાંથી દૂર કરવામાં આવ્યું અને ૧૯૮૩માં ફરીથી મતદાર યાદીમાં સામેલ કરવામાં આવ્યું. પરંતુ યાદીમાં તેમનું નામ ફરીથી દાખલ થવાથી ગંભીર પ્રશ્નો ઉભા થયા છે."

સોનિયાને નાગરિકતા ક્યારે મળી?
માલવિયા આ બાબતને વધુ સ્પષ્ટતા આપતા લખે છે કે, “તે વર્ષે મતદાર યાદીના નવા સુધારામાં, સોનિયા ગાંધીનું નામ મતદાન મથક 140 પર સીરીયલ નંબર 236 પર મતદાર તરીકે નોંધાયેલું હતું અને નોંધણીની પાત્રતા તારીખ 1 જાન્યુઆરી, 1983 હતી, જ્યારે સોનિયા ગાંધીને ભારતીય નાગરિકતા ફક્ત 30 એપ્રિલ, 1983 ના રોજ મળી હતી.”

મતદાર યાદીમાં બે વાર નામ ઉમેરાયું
તેમણે દાવો કર્યો અને લખ્યું, "બીજા શબ્દોમાં કહીએ તો, સોનિયા ગાંધીનું નામ મૂળભૂત નાગરિકતાની આવશ્યકતા પૂરી કર્યા વિના મતદાર યાદીમાં બે વાર દાખલ કરવામાં આવ્યું. પહેલા 1980 માં ઇટાલિયન નાગરિક તરીકે, અને પછી 1983 માં, તે કાયદેસર રીતે ભારતીય નાગરિક બન્યા તેના થોડા મહિના પહેલા. અમે એ નથી પૂછી રહ્યા કે રાજીવ ગાંધી સાથે લગ્ન કર્યાના 15 વર્ષ પછી તેમણે ભારતીય નાગરિકતા સ્વીકારવામાં કેમ વિલંબ કર્યો? જો આ સ્પષ્ટ ચૂંટણી ગેરરીતિ નથી, તો શું છે?"

sonia gandhi rahul gandhi rajiv gandhi election commission of india bharatiya janata party congress political news indian politics dirty politics national news news