19 May, 2021 01:13 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અરવિંદ કેજરીવાલ (ફાઇલ ફોટો)
દેશમાં કોરોના મહામારીની બીજી લહેરનો પ્રકોપ વરસી રહ્યો છે. ત્રીજી લહેરને લઈને સાવચેતીઓ વધી ગઈ છે. આ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોરોનાના `સિંગાપુર સ્ટ્રેન`ને લઈને ચેતવણી આપી હતી અને ભારત સરકાર પાસેથી પણ એક્શનની અપીલ કરી હતી. પહેલા ભારત સરકારે અરવિંદ કેજરીવાલના આરોપોનો જવાબ આપ્યો અને હવે સિંગાપુર સરકારે પણ આ મુદ્દે વાંધો ઉઠાવતા જવાબ આપ્યો. સાથે જ ભારતીય ઉચ્ચાયુક્તે પણ આ બાબતે નારાજગી વ્યક્ત કરી છે.
ભારતમાં રહેલ સિંગાપુરના દૂતાવાસે મુખ્યમંત્રી કેજરીવાલના આ ટ્વીટનો જવાબ આપ્યો. આમાં કહેવામાં આવ્યું કે સિંગાપુરમાં કોરોનાનો નવા સ્ટ્રેન મળવાની વાતમાં કોઇ હકીકત નથી. ટેસ્ટિંગના આધારે ખબર પડી કે સિંગાપુરમાં કોરોનાનો B.1.617.2 વેરિએન્ટ મળ્યો છે, જે ભારતમાં જ નીપજ્યો છે. આમાં બાળકો સાથે જોડાયેલા કેટલાક કેસ સામેલ છે. સિંગાપુરના સ્વાસ્થ્ય મંત્રાલયે નિવેદન જાહેર કરીને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના દાવાનું ખંડન કર્યું હતું. સિંગાપુરના દૂતાવાસે પોતાના ટ્વીટમાં આની લિન્ક પણ જોડી છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવેદન પર વિવાદ થયો છે. કેજરીવાલના નિવેદનથી ગુસ્સે ભરાયેલી સિંગાપુર સરકારે ભારતીય ઉચ્ચાયુક્તને બોલાવ્યા છે અને નવા વેરિએન્ટવાળા નિવેદન પર નારાજગી વ્યક્ત કરી છે. સિંગાપુરના વિદેશ મંત્રી વિવિયન બાલાકૃષ્ણને પણ આ મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે રાજનેતાઓએ હકીકત પર વાત કરવી જોઇએ. તેમણે કહ્યું કે કોરોનાનો કોઈ સિંગાપુર વેરિએન્ટ નથી.
દિલ્હીના સીએમનું નિવેદન ભારતનું નથી: જયશંકર
ભારત તરફથી આ મામલે જવાબ આપવામાં આવ્યો છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પાસે કોવિડના વેરિએન્ટ કે વિમાન પૉલિસી પર બોલવાનો અધિકાર નથી. વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વીટ કરીને કહ્યું, "સિંગાપુર અને ભારત બન્ને કોરોના વિરુદ્ધ લડાઇ લડી રહ્યા છે. લડાઇમાં સિંગાપુર દ્વારા ભારતની જે મદદ કરવામાં આવી છે, તે માટે તેમનો આભાર. હું સ્પષ્ટ કહી દેવા માગું છું કે દિલ્હીના મુખ્યમંત્રીનું નિવેદન ભારતનું નથી."
શું છે ઘટના, જેથી વધ્યો વિવાદ?
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે ટ્વીટમાં શંકા દર્શાવી છે કે વાયરસનો આ નવો વેરિએન્ટ ત્રીજી લહેર તરીકે ભારતમાં આવી શકે છે. તેમણે ટ્વીટ હિન્દીમાં કર્યો, "સિંગાપુરમાં આવેલો કોરોનાનો નવો વેરિએન્ટ બાળકો માટે ખૂબ જ જોખમકારક કહેવામાં આવી રહ્યો છે. ભારતમાં આ ત્રીજી લહેર તરીકે આવી શકે છે. કેન્દ્ર સરકારને મારી અપીલ છે- 1. સિંગાપુર સાથેની હવાઇ સેવાઓ અત્યારે જ રદ કરવામાં આવે. 2. બાળકો માટે પણ આ વેક્સીનના વિકલ્પો પર પ્રાથમિકતાના આધારે કામ થાય."
કેજરીવાલને કેન્દ્ર સરકારે પણ આપ્યો જવાબ
સિંગાપુર પહેલા કેન્દ્ર સરકારે કેજરીવાલને જવાબ આપ્યો. વિમાનન મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે સિંગાપુરની સ્થિતિ પર કેન્દ્ર સરકારની નજર છે અને દરેક સાવચેતીઓ રાખવામાં આવી રહી છે. પુરીએ ટ્વિટર પર કહ્યું, "કેજરીવાલ, બધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ માર્ચ 2020થી બંધ છે. સિંગાપુર સાથે આપણું ઍર બબલ પણ નથી." તેમણે કહ્યું કે વન્દે ભારત મિશન હેઠળ બન્ને દેશો વચ્ચે કેટલીક ફ્લાઇટ ચાલું છે જેથી ત્યાં ફસાયેલા ભારતીયોને પાછાં લાવી શકાય.
દિલ્હી સરકારે આપી સ્પષ્ટતા
દિલ્હી સરકારે આ મામલે સ્પષ્ટતા આપી છે. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું કે હાલ કોરોનાના જુદાં જુદાં સ્ટ્રેન છે, જેની જીનોમ સીક્વેંસિંગથી ખબર પડી રહી છે. જ્યારે લંડનતી ફ્લાઇટ આવતી હતી, ત્યારે પણ તેને અટકાવવાની અપીલ કરી હતી. સત્યેન્દ્ર જૈનનું કહેવું છે કે વિવાદ પર સાંજે સ્પષ્ટતા આપવામાં આવશે.