સિક્કિમના પચાસમા સ્થાપનાદિવસ નિમિત્તે નરેન્દ્ર મોદીએ ૪૦૦૦ કરોડના ૩૦ પ્રોજેક્ટ્સનો કર્યો શિલાન્યાસ

29 April, 2026 09:59 AM IST  |  Gangtok | Gujarati Mid-day Correspondent

ગૅન્ગટૉકમાં બાળકો સાથે ફુટબૉલ રમ્યા અને દુર્લભ ફૂલોની દુનિયાની મુલાકાત લીધી

ઑર્કિડેરિયમમાં ફૂલોથી સજાવેલા એક પૂતળાને જોઈ રહેલા નરેન્દ્ર મોદી (ડાબે), ગઈ કાલે નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓ સાથે ફુટબોલ રમ્યા હતા

સોમવારે અને મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સિક્કિમના ગૅન્ગટોકની મુલાકાતે હતા. રાજ્યના પચાસમા સ્થાપનાદિવસની ઉજવણીની સાથે તેમણે રાજ્યના વિકાસ માટેના ૩૦ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો હતો, જે લગભગ ૪૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બનશે. આ પ્રોજેક્ટ્સ રોડ-કનેક્ટિવિટી, હેલ્થકૅર, એજ્યુકેશન, ટૂરિઝમ, પાવર અને અર્બન ડેવલપમેન્ટ સેક્ટર્સ સાથે સંકળાયેલા છે.

ગઈ કાલે સવારે નરેન્દ્ર મોદી ટ્રૅક પૅન્ટ અને સ્પોર્ટ્સ શૂઝમાં વિદ્યાર્થીઓ સાથે ફુટબૉલ રમ્યા હતા. આ પ્રસંગનો વિડિયો અને તસવીરો તેમણે સોશ્યલ મીડિયામાં શૅર કર્યાં હતાં. જેમાં તેઓ ગોલ કરતા દેખાય છે અને પછી વિદ્યાર્થીઓ સાથે એક સ્પોર્ટ્સપર્સનની જેમ સેલિબ્રેટ પણ કર્યું હતું. તસવીરો સાથે તેમણે લખ્યું હતું, ‘ગૅન્ગટૉકની એક સુંદર સવારે સિક્કિમમાં મારા યુવાન મિત્રો સાથે ફુટબોલ રમવા જેવું કંઈ નથી. તેમની સાથે ફુલબૉલ રમીને ઊર્જાથી તરબતર થઈ ગયો.’

ગૅન્ગટૉકના પાલજોર સ્ટેડિયમમાં સિક્કિમની સુવર્ણ જયંતીની ઉજવણીમાં સ્થાનિક લોકનૃત્યનો પર્ફોર્મન્સ નરેન્દ્ર મોદીએ નિહાળ્યો હતો

એ ઉપરાંત તેમણે સિક્કિમના અમૂલ્ય જૈવવૈવિધ્યનો વારસો સાચવી રહેલા ઑર્કિડેરિયમની પણ મુલાકાત લીધી હતી. તેમણે રાજ્યની અસાધારણ જૈવવૈવિધ્યની સરાહના કરતાં સોશ્યલ મીડિયામાં લખ્યું હતું, ‘ગૅન્ગટૉકમાં ઑર્કિડેરિયમની મુલાકાત કરીને મંત્રમુગ્ધ થઈ ગયો. સિક્કિમની સમૃદ્ધ જૈવવિવિધતા ખરેખર અતુલ્ય છે. આ આપણને જૈવસંરક્ષણ અને સ્થાયી જીવન શૈલીની દિશામાં કામ કરવા પ્રેરિત કરે છે.’

narendra modi sikkim national news news