09 June, 2026 09:13 AM IST | Shamli | Gujarati Mid-day Correspondent
ચાંદની કુરેશી
હું મુસ્લિમ છું, ચાંદનીને જેલમાં મોકલીને ખોટું કર્યું : આયુષ મલિક
આ કેસના મુદ્દે આયુષ મલિક મીડિયા સમક્ષ આવ્યો હતો અને તેણે કહ્યું હતું કે ‘હું મુસ્લિમ છું અને ચાંદની અને તેના પિતાને જેલમાં મોકલીને ખોટું કરવામાં આવ્યું છે. મને ઘણાં વર્ષોથી મુસ્લિમ ધર્મ પ્રત્યે આકર્ષણ હતું અને હું એના વિશે પુસ્તકો વાંચતો હતો. એ દરમ્યાન હું શામલીના એક ફિઝિયોથેરપી સેન્ટરમાં ચાંદની કુરેશીને મળ્યો. અમે મિત્રો બન્યાં અને પ્રેમ થયો. મેં તેને મારી સાથે લગ્ન કરવા કહ્યું, પરંતુ તેણે ના પાડી હતી. ઘણી મુશ્કેલી પછી તે આખરે લગ્ન માટે સંમત થઈ ગઈ અને તેને જેલમાં મોકલી દેવામાં આવી છે.’
આયુષનો દાવો છે કે તેણે લગભગ ૧૨ વર્ષ પહેલાં સ્વેચ્છાએ ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો હતો. જોકે એ સમયે તેણે આ વાત પરિવારથી ગુપ્ત રાખી હતી. બહેનોનાં લગ્ન થયાં નહોતાં અને તે ઇચ્છતો નહોતો કે પોતાના નિર્ણયની અસર પરિવાર પર પડે. એથી તેણે તેના ધર્મપરિવર્તન વિશેની માહિતી જાહેર કરી નહોતી. બહેનોનાં લગ્ન થયા પછી તેણે લગભગ ૪ વર્ષ પહેલાં ઇસ્લામિક રીતરિવાજ મુજબ ચાંદની સાથે લગ્ન કર્યાં હતાં. તેણે તેના પરિવારને તેના ધર્મપરિવર્તન અને લગ્ન વિશે જાણ કરી હતી. તે પોતાને મોહમ્મદ અલી ઉર્ફે રહમાન તરીકે ઓળખાવવા માગે છે અને આ નામ હેઠળ બધા જરૂરી દસ્તાવેજ મેળવવાની પ્રક્રિયામાં છે.