વિરોધ માટે સાર્વજનિક રોડ બંધ ન કરી શકાય : સુપ્રીમ કોર્ટ

11 February, 2020 10:27 AM IST  |  New Delhi

વિરોધ માટે સાર્વજનિક રોડ બંધ ન કરી શકાય : સુપ્રીમ કોર્ટ

વિરોધ યથાવત્ : સિટિઝનશિપ ઍક્ટ, એનઆરસી અને એનપીઆરના વિરોધમાં દિલ્હીમાં વિશાળ રૅલી નીકળી હતી. જામિયાનગર પાસે પોલીસે પ્રદર્શનકારીઓને અટકાવ્યા હતા. છેલ્લા અનેક દિવસોથી આ મામલે દેશભરમાં વિરોધ-પ્રદર્શન થઈ રહ્યાં છે.

નાગરિકતા સંશોધન ઍક્ટ (સીએએ) અને નૅશનલ રજિસ્ટર ફૉર સિટિઝન વિરુદ્ધ છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા શાહીનબાગમાં પ્રદર્શન પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. સર્વોચ્ચ અદાલતે સીધી રીતે પ્રદર્શનકારીઓને હટવાનો આદેશ આપવાનો ઇનકાર કરી દીધો. જોકે સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે હંમેશ માટે કોઈ પણ સાર્વજનિક રસ્તાઓ બંધ નથી કરી શકાતા. સુપ્રીમ કોર્ટે શાહીનબાગમાંથી પ્રદર્શનકારીઓને હટાવવાની અપીલ કરનારી અરજીઓ પર કેન્દ્ર, દિલ્હી સરકાર અને પોલીસને નોટિસ પાઠવી છે.

સુપ્રીમ કોર્ટમાં હવે આ મામલાની સુનાવણી ૧૭ ફેબ્રુઆરીએ થશે. કોર્ટે કહ્યું કે જો આટલી રાહ જોઈ છે તો એક અઠવાડિયું વધુ રાહ જોઈ લો. જસ્ટિસ સંજય કિસન કૌલ, જસ્ટિસ કે. એમ. જોસેફની બેન્ચે કહ્યું કે આ મામલે પોલીસ અને સરકારને પક્ષકાર બનાવવામાં આવ્યા છે એટલે તેમની વાત સાંભળવી જરૂરી છે.

ઉલ્લેખનીય છે કે શુક્રવારે આ મામલે સુનાવણી થવાની હતી. શુક્રવારે આ અરજીઓ સુનાવણી માટે આવી હતી, પણ કોર્ટે એ કહીને ટાળી દીધી હતી કે ચૂંટણી બાદ આ મામલે સુનાવણી ઉચિત રહેશે. વકીલ અમિત શાહ અને બીજેપી નેતા નંદકિશોર ગર્ગે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.

સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીઓમાં એ માગણી કરવામાં આવી છે કે કોર્ટ દિલ્હી પોલીસને શાહીનબાગમાં રસ્તા પરથી લોકોને હટાવવાનો આદેશ આપે.

આ અરજીઓમાં દિલ્હીને નોએડા સાથે જોડનારો મુખ્ય માર્ગ બંધ હોવાથી લાખો લોકોને અવરજવરમાં તકલીફ પડી રહી હોવાના સવાલો ઉઠાવાયા છે. શાહીનબાગમાં લગભગ પંચાવન દિવસથી ધરણાં-પ્રદર્શન ચાલુ છે.

શું ચાર મહિનાનું બાળક તેની જાતે વિરોધ-પ્રદર્શન કરવા જઈ શકે?

દિલ્હીના શાહીનબાગમાં ચાર મહિનાના બાળકના મોત પર સુપ્રીમ કોર્ટ લાલચોળ: શાહીનબાગ પ્રદર્શન દરમિયાન ચાર મહિનાના બાળકના મોતના મામલામાં સુપ્રીમ કોર્ટની ત્રણ જસ્ટિસની બેન્ચે આ મામલામાં સુનાવણી કરતાં સખત શબ્દોમાં ટિપ્પણી કરતાં પૂછ્યું કે શું ચાર મહિનાનું બાળક પણ વિરોધ-પ્રદર્શન કરવા માટે આવ્યું હતું? કેન્દ્ર સરકારે પણ આ દુર્ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ઘટના ગણાવી છે.

આ પણ વાંચો : ચીડવતા સહાધ્યાયીઓથી કંટાળીને 9 વર્ષની કિશોરીએ બનાવી ઍન્ટિ બુલિંગ ઍપ

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલે પણ બાળકના મોતની ઘટનાને દર્દનાક ગણાવી. આ દરમિયાન શાહીનબાગની ત્રણ મહિલાઓએ પોતે પણ પોતાનો પક્ષ રજૂ કરવાની માગણી કરી. મહિલાઓએ વકીલ દ્વારા કોર્ટમાં કહ્યું કે કાયદા પ્રમાણે બાળકોને પણ વિરોધ-પ્રદર્શન કરવાનો અધિકાર છે. તેઓએ કોર્ટમાં ગ્રેટા થનબર્ગનું ઉદાહરણ પણ આપ્યું હતું જેના પર ચીફ જસ્ટિસે તેમની ઝાટકણી કાઢતાં કહ્યું કે સુપ્રીમ કોર્ટ માતૃત્વનું સમ્માન કરે છે, પરંતુ તમે અમને એક વાત સમજાવો કે શું ચાર મહિનાનું બાળક એની જાતે વિરોધ-પ્રદર્શન કરવા જઈ શકે?

shaheen bagh national news new delhi