16 February, 2026 10:21 AM IST | Srinagar | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
સુરક્ષા-એજન્સીઓએ જમ્મુ-કાશ્મીરમાં ખૂબ ઝડપથી ફેલાઈ રહેલા મ્યુલ અકાઉન્ટ એટલે કે ભાડા પર લીધેલાં ડમી બૅન્ક-ખાતાંઓના સંગઠિત નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ નેટવર્કને વૈશ્વિક ઑનલાઇન ઠગજૂથોની આર્થિક કરોડરજ્જુ માનવામાં આવે છે. અધિકારીઓને આશંકા છે કે આ ખાતાંઓના માધ્યમથી જમા થતા પૈસાનો ઉપયોગ અલગાવવાદ, ટેરર ફન્ડિંગ અને રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓમાં થતો હશે.
અધિકારીઓના કહેવા મુજબ છેલ્લાં ત્રણ વર્ષમાં જમ્મુ-કાશ્મીરમાં ચાલતાં ૮૦૦૦થી વધુ મ્યુલ ખાતાંને ફ્રીઝ કરવામાં આવ્યાં છે. તપાસમાં એક જટિલ મની-લૉન્ડરિંગ નેટવર્કનો ભાંડાફાડ થયો છે. આ ખાતાંઓને સાઇબર ફ્રૉડમાં ચેઇન અકાઉન્ટ તરીકે યુઝ કર્યાં છે. આ ખાતાંઓ થકી સાઇબર ફ્રૉડની ખૂબ નબળી પરંતુ મહત્ત્વની કડી મળી છે, કેમ કે આ અકાઉન્ટ્સ વિના ઠગાયેલી રકમને ક્રિપ્ટોકરન્સીમાં બદલવા માટે શું કરાયું છે એ શોધવાનું સંભવ ન થાત.
સામાન્ય રીતે મ્યુલ એટલે કે ડમી ખાતાં ઉપલબ્ધ કરાવનારો વચેટિયો ન ડાયરેક્ટ પૈસા પડાવવામાં ભાગ લે છે ન કોઈ નકલી લિન્ક મોકલે છે. આ ખાતાંઓની ભૂમિકા ગુપ્ત પણ ખૂબ મહત્ત્વની હોય છે. આ ખાતાંઓમાં સતત પૈસા આવે છે અને જાય છે જેને કારણે ફ્રૉડ થયેલી રકમ ક્યાંથી ક્યાં ગઈ એની કડી મેળવવી મુશ્કેલ બની જાય છે. આવાં ખાતાંઓ મોટા ભાગે સામાન્ય લોકોનાં હોય છે જેમને કમિશન આપવાનું આશ્વાસન અપાય છે કાં પછી તેમને આ બાબતે સંપૂર્ણપણે અંધારામાં રખાતા હોય છે. આ ખાતાંઓનું નિયંત્રણ પણ મોટા ભાગે જે-તે વ્યક્તિના હાથમાં નથી હોતું.