16 May, 2025 06:59 AM IST | Madhya Pradesh | Gujarati Mid-day Online Correspondent
સુપ્રીમ કૉર્ટ (ફાઈલ તસવીર)
મધ્ય પ્રદેશના કેબિનેટ મંત્રી વિજય શાહના કર્નલ સોફિયા કુરેશી પર વિવાદિત નિવેદનને લઈને સુપ્રીમ કૉર્ટે ફટકાર્યા છે. મધ્ય પ્રદેશ હાઈકૉર્ટના આદેશ પર સ્ટે મૂક્યો નથી.
સીજેઆઈ બીઆર ગવઈએ વિજય શાહને ફટકાર લગાવતા કહ્યું કે તમે કેવા પ્રકારનું નિવેદન આપી રહ્યા છે? તમે મંત્રી છો. મંત્રી થઈને કેવા પ્રકારની ભાષાનો ઉપયોગ કરી રહ્યા છો? શું આ મંત્રીને શોભાયમાન છે?
કૉર્ટે કહ્યું કે સંવિધાનિક પદ પર બેઠેલા શખ્સ પાસેથી આ પ્રકારના નિવેદનની આશા રાખવામાં આવતી નથી. જ્યારે દેશ આ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે જવાબદારીભર્યા પદ પર બેઠેલા શખ્સ પાસેથી આ પ્રકારના નિવેદનની આશા રાખી શકાય નહીં.
સીજેઆઈએ કહ્યું કે તમે જાણો છો ને કે તમે કોણ છો? આ મામલે વિજય શાહના વકીલે કહ્યું કે તેના ક્લાઈન્ટે માફી માગી લીધી છે. મીડિયાએ તેમના નિવેદનને તોડી-મરડીને રજૂ કર્યો છે. મીડિયાએ આને ઓવર હાઈપ કરી દીધું છે. વકીલે કહ્યું કે હાઈકૉર્ટે ઑર્ડર પાસ કરતાં પહેલા અમને સાંભળ્યા નહોતા.
સીજેઆઈએ કહ્યું કે તમે હાઈકોર્ટ કેમ ન ગયા? આપણે કાલે આ મામલાની સુનાવણી કરીશું. ૨૪ કલાકમાં કંઈ થશે નહીં. આમ કહીને કોર્ટે વિજય શાહ વિરુદ્ધ FIR પર સ્ટે આપવાની માંગ કરતી અરજી પર સ્ટે આપવાનો ઇનકાર કરી દીધો છે.
તમને જણાવી દઈએ કે મધ્યપ્રદેશના કેબિનેટ મંત્રી વિજય શાહના સોફિયા કુરેશી પરના વિવાદાસ્પદ નિવેદન બાદ, તેમની વિરુદ્ધ મહુ તહસીલ સ્થિત માનપુર પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. કર્નલ સોફિયા કુરેશી અંગે આપેલા વિવાદાસ્પદ નિવેદન પર મધ્યપ્રદેશ હાઈકોર્ટના સ્પષ્ટ આદેશ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી.
વિજય શાહ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની ત્રણ ગંભીર કલમો - કલમ ૧૫૨, ૧૯૬(૧)(બી) અને ૧૯૭(૧)(સી) હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી, ત્યારબાદ તેમણે હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
વાસ્તવમાં વિજય શાહે કર્નલ સોફિયા કુરેશી અંગે નિવેદન આપ્યું હતું. તેમણે એક જાહેર સભામાં કર્નલ સોફિયા કુરેશીનું નામ લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.
આ સમગ્ર મામલા પર વિવાદ વધુ વકર્યા બાદ, વિજય શાહે આજતક સાથેની વાતચીત દરમિયાન માફી માગી અને કહ્યું કે હું મારા સપનામાં પણ કર્નલ સોફિયા બહેન વિશે ખોટું વિચારી શકતો નથી. હું સેનાનું કોઈ અપમાન કરવાનું વિચારી પણ શકતો નથી. બહેન સોફિયાએ જાતિ અને ધર્મથી ઉપર ઉઠીને દેશની સેવા કરી અને આતંકવાદીઓને યોગ્ય જવાબ આપ્યો, હું તેમને સલામ કરું છું. મારી કૌટુંબિક પૃષ્ઠભૂમિ પણ સેના સાથે સંબંધિત છે. આતંકવાદીઓ દ્વારા જેમના સિંદૂરનો નાશ કરવામાં આવ્યો હતો, તેમની પીડાને ધ્યાનમાં રાખીને મેં આ નિવેદન આપ્યું હતું. જો ઉત્તેજનામાં મારા મોંમાંથી કંઈક ખોટું નીકળ્યું હોય, તો હું તેના માટે માફી માંગુ છું.