14 February, 2025 07:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સમય રૈના
‘ઇન્ડિયાઝ ગૉટ લૅટન્ટ’ શોનો કર્તાહર્તા સમય રૈના મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. તે અત્યારે અમેરિકામાં છે, પણ ગઈ કાલે ત્યાંથી સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરીને તેણે જાહેર કર્યું હતું કે મેં યુટ્યુબમાંથી ‘ઇન્ડિયાઝ ગૉટ લૅટન્ટ’ શોના બધા એપિસોડ ડિલીટ કરી નાખ્યા છે.
સમય રૈનાએ સોશ્યલ મીડિયા પર ગઈ કાલે મૂકેલી પોસ્ટમાં લખ્યું હતું કે ‘જે કંઈ પણ થઈ રહ્યું છે એ મારા માટે હૅન્ડલ કરવાનું મુશ્કેલ થઈ રહ્યું છે. આ બધું ઘણું વધારે છે. મેં ‘ઇન્ડિયાઝ ગૉટ લૅટન્ટ’ના બધા વિડિયો યુટ્યુબ ચૅનલમાંથી હટાવી દીધા છે. મારો ઇરાદો લોકોને મારા ઍક્ટથી હસાવવાનો અને સારો સમય વિતાવવાનો હતો. એ સિવાય મારો કોઈ ઇરાદો નહોતો. હું તમામ તપાસ-એજન્સીની તપાસ યોગ્ય રીતે પૂરી થાય એ માટે પૂરો સહયોગ કરવા તૈયાર છું, આભાર.’
રણવીર અલાહાબાદિયા સહિત સમય રૈના સામે પણ પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. સમય રૈના ૧૭ માર્ચે ભારત પાછો આવવાનો છે એટલે તેના વકીલોએ મુંબઈ પોલીસ પાસે સમય રૈનાનું નિવેદન નોંધવા માટે સમય માગ્યો છે. મુંબઈ પોલીસે સમય રૈનાની ટીમને સ્પષ્ટ કહી દીધું છે કે તપાસ આટલા દિવસો સુધી રોકી ન શકાય. આથી મામલાની પૂછપરછ શરૂ થવાના ૧૪ દિવસની અંદર સમય રૈનાએ પોલીસમાં હાજર થવું પડશે એવું જાણવા મળ્યું હતું.