18 March, 2025 08:28 PM IST | Ghazipur | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
ઉત્તરપ્રદેશના ગાઝીપુર જિલ્લામાં બોર્ડ પરીક્ષા આપવા ગયેલી ધોરણ 10ની એક વિદ્યાર્થિની સાથે શિક્ષકે દુષ્કર્મ આચર્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોલીસ મુજબ આરોપી સામાજવાદી પાર્ટીના શિક્ષક વિંગનો રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે. આ મામલે રવિવાર રાત્રે પીડિતાના કાકા દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસ સુપરિન્ટેન્ડન્ટ ઓમવીર સિંહે પીટીઆઈને જણાવ્યું હતું કે આરોપી જનાર્દન યાદવ વિરુદ્ધ બીએનએસ અને પોક્સો (POCSO) એક્ટ હેઠળ દુષ્કર્મનો ગુનો નોંધાયો છે. પીડિતા કરિમુદ્દીનપુર પોલીસ સ્ટેશન પાસે આવેલા ગામની રહેવાસી છે અને તેની ઉંમર 16 વર્ષ છે.
ફરિયાદ મુજબ, 1 માર્ચના રોજ પીડિતા શાળામાં ગણિતની બોર્ડ પરીક્ષાનું પેપર આપવા માટે ગઈ હતી. આ દરમિયાન જનાર્દન યાદવે પીડિતાને મદદ કરવાની લાલચ આપી એક રૂમમાં લઈ ગયો અને ત્યાં પીડિતા સાથે દુષ્કર્મ આચર્યું. આરોપીએ પીડિતાને ધમકી પણ આપી હતી કે જો આ બાબતે કોઈને જાણ કરશે તો ગંભીર પરિણામો ભોગવવા પડશે. ભયના કારણે પીડિતાએ લાંબા સમય સુધી કોઈને આ ઘટના વિશે ન કહ્યું. જો કે વારંવાર પૂછપરછ બાદ પીડિતાએ આ ઘટના વિશે જણાવ્યું હતું.
તાજેતરમાં જ સાતમા ધોરણમાં ભણતી જોગેશ્વરી-ઈસ્ટની ૧૨ વર્ષની કિશોરી ૨૪ ફેબ્રુઆરીએ કાકા સાથે ઘરેથી સ્કૂલ જવા નીકળ્યા બાદ ગાયબ થઈ ગઈ હતી. કાકાએ જોગેશ્વરી પોલીસ-સ્ટેશનમાં ભત્રીજીની મિસિંગની ફરિયાદ નોંધાવી હતી. કોઈકે ભત્રીજીનું અપહરણ કર્યું હોવાની શંકા કાકાએ વ્યક્ત કરતાં પોલીસે અજાણ્યા આરોપીઓ સામે અપહરણ કરવાની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી હતી.
જોગેશ્વરીની કિશોરી શુક્રવારે દાદર રેલવે-સ્ટેશન પર સ્કૂલના યુનિફૉર્મમાં એકલી ફરતી જોવા મળતાં પોલીસે તેની પૂછપરછ કરી હતી. કિશોરીએ પોલીસને કહ્યું હતું કે તેના પર કેટલાક લોકોએ બળાત્કાર કર્યો છે. સ્કૂલમાંથી છૂટીને તે ઘરે જઈ રહી હતી ત્યારે ઘરની નજીકમાં રહેતો ઍર-કન્ડિશનરનો મૅકેનિક તેને સંજયનગરમાં તેના ઘરે લઈ ગયો હતો. અહીં તેના પર પાંચ લોકોએ વારંવાર બળાત્કાર કર્યો હતો. તેને ઘરની અંદર ગોંધી રાખીને ઘણા દિવસ સુધી શારીરિક ત્રાસ આપવામાં આવ્યો હતો. આનાથી તેની માનસિક અને શારીરિક સ્થિતિ અત્યંત ખરાબ થઈ ગઈ હતી. એક દિવસ જેમતેમ કરીને બળાત્કાર કરનારાઓની પકડમાંથી છૂટીને તે રેલવે-સ્ટેશન પહોંચી હતી.