05 May, 2025 06:58 AM IST | Lucknow | Gujarati Mid-day Correspondent
રસ્તા પર ચોંટાડેલા પાકિસ્તાનના ધ્વજને હટાવવાનો પ્રયાસ કરતી સ્ટુડન્ટને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવી
ઉત્તર પ્રદેશના સહારનપુરમાં રસ્તા પર ચોંટાડેલા પાકિસ્તાનના ધ્વજને હટાવવાનો પ્રયાસ કરતી એક સ્ટુડન્ટને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવી હોવાની જાણકારી મળી છે. પહલગામમાં નિર્દોષ ટૂરિસ્ટો પર આતંકવાદીઓએ કરેલા હુમલામાં ૨૬ લોકોએ જીવ ગુમાવ્યા બાદ દેશભરમાં પાકિસ્તાનના વિરોધમાં લોકોમાં આક્રોશ ફેલાયો છે ત્યારે સહારનપુરમાં કેટલાક લોકોએ રસ્તા પર પાકિસ્તાનનો ધ્વજ ચોંટાડીને વિરોધ નોંધાવ્યો હતો. તેમની ઇચ્છા હતી કે લોકો આ ધ્વજ પરથી પસાર થઈને તેમનો આક્રોશ નોંધાવે. જોકે અગિયારમા ધોરણમાં ભણતી અને બહાદુરનગરમાં રહેતી એક છોકરીએ આ ધ્વજ રસ્તા પરથી હટાવવાનો પ્રયાસ કર્યો હતો. સ્કૂટી પર આવેલી આ છોકરીએ પાકિસ્તાની ધ્વજને રસ્તા પર જોઈને સ્કૂટી ઊભી રાખી હતી અને આ ધ્વજને દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. એ સમયે કોઈએ તેનો આ વિડિયો શૂટ કર્યો હતો. ૧૨ સેકન્ડનો આ વિડિયો વાઇરલ થતાં બીજા દિવસે વિરોધકો સ્કૂલમાં પહોંચ્યા હતા અને આ સ્ટુડન્ટને રાષ્ટ્રવિરોધી ગણાવીને તેને સ્કૂલમાંથી કાઢી મૂકવાની માગણી કરી હતી જેને પ્રિન્સિપાલે સ્વીકારી લીધી હતી. આ સિવાય આ મુદ્દે એક ઇન્ટર્નલ ઇન્ક્વાયરી કમિટીની પણ રચના કરવામાં આવી છે.