જયશંકરે ચીનના વિદેશપ્રધાનને બૉર્ડર મુદ્દાના ઉકેલ પર ફોકસ કરવા કહ્યું

05 May, 2023 12:16 PM IST  |  Benaulim | Gujarati Mid-day Correspondent

ભારતના વિદેશપ્રધાને રશિયન પ્રધાન લાવરોવની સાથે પણ વાતચીત કરી

બેનૌલિમના બીચ રિસૉર્ટમાં ગઈ કાલે ચીનના વિદેશપ્રધાન ચિન ગાંગ સાથે ભારતના વિદેશપ્રધાન એસ. જયશંકર. તસવીર પી.ટી.આઇ.

વિદેશપ્રધાન એસ. જયશંકરે ગઈ કાલે ચીનના વિદેશપ્રધાન ચિન ગાંગને સ્પષ્ટ જણાવ્યું હતું કે પૂર્વીય લદાખ બૉર્ડર વિવાદનો ઉકેલ લાવવો તેમ જ સીમા પર શાંતિ અને સ્થિરતા જાળવવી એ બંને દેશોના સંબંધો મજબૂત થાય એ માટે જરૂરી છે. જયશંકર ગઈ કાલે રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લાવરોવને પણ મળ્યા હતા જેમાં ભારત અને રશિયાના દ્વિપક્ષીય સંબંધો વિશે વાતચીત કરવામાં આવી હતી. 

જયશંકરે શાંઘાઈ કો-ઑપરેશન ઑર્ગેનાઇઝેશનના વિદેશપ્રધાનોની પરિષદની મીટિંગ દરમ્યાન બેનૌલિમમાં એક બીચ રિસૉર્ટમાં આ મુલાકાત કરી હતી. 

ચિનની સાથેની મુલાકાત બાદ જયશંકરે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે વાતચીતમાં બૉર્ડર વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા જાળવવી તેમ જ પેન્ડિંગ મુદ્દાઓના ઉકેલ લાવવા પર ફોકસ રહ્યું હતું. 
ભારત અને ચીનના વિદેશપ્રધાનો વચ્ચે છેલ્લા બે મહિનામાં આ બીજી મુલાકાત છે. ચીનના વિદેશપ્રધાન આ પહેલાં G20ના સભ્ય દેશોના વિદેશપ્રધાનોની એક મીટિંગ માટે માર્ચમાં ભારતમાં આવ્યા હતા. 

જયશંકરે લાવરોવની સાથે ભારત અને રશિયા વચ્ચે દ્વિપક્ષીય સંબંધો વિશે વાતચીત કરી હતી. 

હજી સુધી એ સ્પષ્ટ નથી કે વેપારને સંબંધિત મુદ્દાઓનો આ વાતચીતમાં સમાવેશ કરવામાં આવ્યો હતો કે નહીં. ભારત બંને દેશો વચ્ચે વેપારમાં અસંતુલનના મુદ્દે ઉપાય લાવવા પર ભાર મૂકે છે. અત્યારે બંને દેશોનો વેપાર રશિયાની તરફેણમાં છે.

national news china ladakh goa