23 September, 2025 07:33 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
મોહન ભાગવત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આ વિજયાદશમીથી આવતા દશેરા સુધી એના શતાબ્દી વર્ષની ઉજવણી કરશે એથી આખા વર્ષ દરમ્યાન ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેની શરૂઆત બીજી ઑક્ટોબરે દશેરાથી કરવામાં આવશે. એમાં આ વર્ષે દેશભરમાં સંઘ દ્વારા ૧,૦૩,૦૦૦ હિન્દુ સંમેલન યોજવામાં આવશે.
પરંપરા મુજબ સંઘના સરસંઘસંચાલક મોહન ભાગવત નાગપુરમાં દશેરાના દિવસે સંઘના સ્વયંસેવકોને સંબોધશે. આ વર્ષે તેમનું સંભાષણ અને આખા વર્ષના વિવિધ કાર્યક્રમોની કાર્યસૂચિ પર જો નજર નાખવામાં આવે તો એ સ્પષ્ટ થાય છે કે હિન્દુ સમાજને કેન્દ્રમાં રાખીને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. દેશભરમાં અલગ-અલગ સ્તરે એ અભિયાન ચલાવવામાં આવશે જેનું સંઘની શાખાઓમાં, મંડલ (કેટલાંક ગામડાંઓનું ઝૂમખું) અને અર્બન શાખાઓ યુનિટ્સ દ્વારા એનું આયોજન કરવામાં આવશે. બધા જ સ્વયંસેવકો આ અભિયાનમાં તેમના યુનિફૉર્મ સાથે સામેલ થશે અને જાણીતી હસ્તીઓને તેમના ગેસ્ટ તરીકે બોલાવવામાં આવશે. સમાવેશી અને સર્વસ્પર્શીના મુદ્દે દેશભરમાં અભિયાન હેઠળ સંઘનો મેસેજ દેશના ખૂણે-ખૂણે અને દરેક સ્તરે પહોંચાડવામાં આવશે. આ અભિયાન હેઠળ ઘરે-ઘરે જઈને લોકોનો સંપર્ક કરવામાં આવશે. ૨૦૦૦ની સાલમાં સંઘે એનાં ૭૫ વર્ષ થયાં હતાં ત્યારે બે લાખ ગામડાંઓમાં જઈને સંપર્ક અભિયાન ચલાવ્યું હતું. જોકે આ પચીસ વર્ષમાં સંઘે એનો વિસ્તાર ઘણો વધાર્યો છે. આ અભિયાન હેઠળ કરોડો લોકોને સંઘની પ્રવૃત્તિ, મહત્ત્વના મુદ્દા પર એનું સ્ટૅન્ડ અને મત દર્શાવતા સાહિત્યનું વિતરણ કરવામાં આવશે અને છેક છેવાડાના માણસ સાથે પણ સંવાદ સાધવામાં આવશે.
હિન્દુ સંમેલનમાં શું હશે?
સંમેલન હિન્દુ એકતા, હિન્દુ સમાજમાં પ્રવર્તી રહેલી સામાજિક સમસ્યાઓ, સોશ્યલ હાર્મની અને સંઘના પાંચ મુખ્ય મુદ્દાઓ, પંચ પરિવર્તન પર ફોકસ કરશે. એ પાંચ મુદ્દાઓમાં સોશ્યલ હાર્મની, સસ્ટેનેબલ લાઇફસ્ટાઇલ (ટકાઉ જીવનધોરણ), નાગરિક તરીકેની જવાબદારી, ગૌરવવંતી સાંસ્કૃતિક ઓળખ અને મજબૂત પારિવારિક મૂલ્યો પર કેન્દ્રિત હશે. આ ઉપરાંત દેશભરમાં ૧૧,૦૦૦ સામાજિક સદભાવ બેઠક યોજાશે જેમાં વિવિધ ક્ષેત્રોના એક્સપર્ટ્સ સાથે ચર્ચા કરીને હિન્દુ સમાજની બદીઓ દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવશે. સંઘ સાથે એની ૯૨૪ જિલ્લાસ્તરની શાખાઓ પણ હિન્દુત્વ, રાષ્ટ્રીયતા, હિન્દુ સમાજનું ભવિષ્ય આ વિષયોને લઈને સ્થાનિક સંસ્થાઓ સાથે બેઠક યોજશે. એ સિવાય મોહન ભાગવત દિલ્હી, મુંબઈ, કલકત્તા અને બૅન્ગલોરમાં સમાજનાં વિવિધ ક્ષેત્રોના એક્સપર્ટ લોકો સાથે ડાયરેક્ટ સંવાદ સાધશે.