15 June, 2024 09:41 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
ઇન્દ્રેશ કુમાર
લોકસભાનાં પરિણામો બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના ચીફ મોહન ભાગવત પછી એના વધુ એક નેતા ઇન્દ્રેશ કુમારે ભારતીય જનતા પાર્ટી (BJP)ના અને વિપક્ષોના ગઠબંધન INDIAનું નામ લીધા વિના તેમની આકરી ટીકા કરી છે. જયપુર પાસેના કનોટામાં રામરથ અયોધ્યા યાત્રા-દર્શન પૂજન સમારોહમાં બોલતાં તેમણે કહ્યું હતું કે લોકસભાની ચૂંટણીનાં પરિણામો રાજકીય પાર્ટીઓના ઍટિટ્યૂડને પ્રતિબિંબિત કરે છે.
લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની BJPને ૨૪૦ બેઠકો અને વિપક્ષોના ગઠબંધન INDIAને ૨૩૪ બેઠકો પર જીત મળી હતી એના સંદર્ભમાં બોલતાં RSSના નૅશનલ એક્ઝિક્યુટિવ કમિટીના મેમ્બર ઇન્દ્રેશ કુમારે કહ્યું હતું કે ‘જે પાર્ટી રામની ભક્તિ કરતી હતી પણ અહંકારી બની ગઈ હતી એને ૨૪૧ બેઠકો પર અટકી જવું પડ્યું હતું. જોકે એ સૌથી મોટી પાર્ટી બની હતી અને જે લોકોને રામમાં શ્રદ્ધા જ નહોતી તેમને ૨૩૪ બેઠકો પર અટકવું પડ્યું હતું. લોકશાહીમાં રામરાજ્યનું આ વિધાન જુઓ, જેમણે રામની ભક્તિ કરી પણ અહંકારી બન્યા એ પાર્ટી લોકસભામાં સૌથી મોટી પાર્ટી બની અને તેમને જે મત અને સત્તા મળવાં જોઈતાં હતાં એ એમના અહંકારના કારણે ભગવાને અટકાવી દીધાં. જે લોકોએ ભગવાન રામનો વિરોધ કર્યો અેમાંથી કોઈને સત્તા મળી નથી. રામવિરોધીઓ ભેગા મળી જાય તો પણ તેઓ બીજા નંબરે જ રહે છે. ભગવાનનો આ ન્યાય સાચો અને માણી શકાય એવો છે. જે લોકો ભગવાન રામને ભજે છે તેમણે નમ્ર રહેવાની જરૂર છે અને જેઓ રામનો વિરોધ કરે છે, ભગવાન તેમની સાથે હિસાબ બરાબર કરશે. રામ કોઈ ભેદભાવ કરતા નથી અને કોઈને દંડ આપતા નથી. રામ કોઈને વિલાપ કરવા દેતા નથી. રામ સર્વને ન્યાય આપે છે. તેઓ ભક્તોને કંઈ ને કંઈ આપતા જ રહે છે. ભગવાન રામે લોકોની રક્ષા કરી હતી અને રાવણ સાથે પણ ભગવાને સારું જ કર્યું હતું.’
મોહન ભાગવતે હજી થોડા દિવસ પહેલાં જ કહ્યું હતું કે એક સાચા સેવકમાં ઘમંડ હોતો નથી અને તે ગૌરવ જાળવીને લોકોની સેવા કરે છે. મોહન ભાગવતે એમ પણ કહ્યું હતું કે ચૂંટણીપ્રચારમાં ગરિમાનો અભાવ હતો.