29 July, 2025 10:08 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
મોહન ભાગવત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે રવિવારે કેરલામાં આયોજિત એક કાર્યક્રમમાં બોલતાં જણાવ્યું હતું કે ‘ભારત શબ્દનું ભાષાંતર ન કરવું જોઈએ, કારણ કે નહીં તો એ એની ઓળખ અને વિશ્વમાં એનો આદર ગુમાવી દેશે. ભારત એક યોગ્ય નામ છે. એનો અનુવાદ ન કરવો જોઈએ. ઇન્ડિયા એટલે ભારત, પણ ભારત તો ભારત જ રહેવું જોઈએ; કારણ કે જો આપણે આપણી ઓળખ ગુમાવી દઈએ તો તમારામાં ગમે એટલા ગુણો હોય તો પણ તમને દુનિયામાં માન કે સુરક્ષા મળશે નહીં. ઓળખ મહત્ત્વની છે અને ઓળખ તમારી સંસ્કૃતિ પર આધાર રાખે છે. આપણી સંસ્કૃતિ પરંપરાઓ સાથે સંકળાયેલી છે. વાતચીત, લેખન અને ભાષણ વખતે એ પછી વ્યક્તિગત હોય કે સાર્વજનિક, આપણે ભારતને ભારત જ કહેવું જોઈએ.’
કેરલાના કોચીમાં આયોજિત રાષ્ટ્રીય શિક્ષણ પરિષદ જ્ઞાન સભામાં મોહન ભાગવતે જણાવ્યું હતું કે ‘દેશને હવે સોને કી ચિડિયા (સોનાનું પક્ષી) બનવાની જરૂર નથી, કારણ કે એનો શેર (સિંહ) બનવાનો સમય આવી ગયો છે. આજનું વિશ્વ આદર્શોને નહીં પણ શક્તિને ઓળખે છે. ભારત આર્થિક રીતે પણ મજબૂત હોવું જોઈએ. વિશ્વની શ્રેષ્ઠ ટેક્નિકો અહીં પણ દેખાવી જોઈએ. એના વિના વિશ્વ આપણી વૅલ્યુ કરશે નહીં. અમે દુનિયા પર રાજ કરવા માગતા નથી. અમે ઇચ્છીએ છીએ કે દુનિયા એક સારી જગ્યા બને.’