હવે જંતર મંતર પર પોલીસ કરશે ધરણાં

29 July, 2026 09:28 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

૨૦ જુલાઈની સંસદકૂચ દરમ્યાન થયેલી હિંસામાં ૧૦૦થી વધુ પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા એના વિરોધમાં દિલ્હી પોલીસ ફેડરેશન આવ્યું મેદાનમાં, ૩૧ જુલાઈએ શાંતિપૂર્ણ ધરણાં કરવાની પરમિશન માગી

તસવીર- પીટીઆઈ

કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના આંદોલન દરમ્યાન પોલીસ પર થયેલા હુમલાઓના કારણે નિવૃત્ત પોલીસ-કર્મચારીઓ હવે જંતર મંતર પર વિરોધ-પ્રદર્શન કરવાની તૈયારીમાં છે.

દિલ્હી પોલીસના દાવા મુજબ ૨૦ જુલાઈની  CJPની સંસદકૂચ દરમ્યાન કેટલાક અસામાજિક તત્ત્વો  આંદોલનમાં ઘૂસી ગયાં હતાં અને કૂચ દરમ્યાન પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ અથડામણમાં આંદોલનની આડમાં કેટલાંક અસામાજિક તત્ત્વોએ પોલીસ પર હુમલો કર્યો હતો અને પછીથી પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે ટિયર ગૅસના શેલ છોડવા પડ્યા હતા અને લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો. પોલીસ પર થયેલા હુમલામાં ૧૦૦થી વધુ પોલીસ-કર્મચારીઓને ઈજા પહોંચી હતી. આના સંદર્ભમાં દિલ્હી પોલીસ ફેડરેશને ૩૧ જુલાઈએ એકદિવસીય પ્રદર્શન યોજવા માટે દિલ્હીના પોલીસ-કમિશનર અનુરાગ કુમારને પરવાનગી માગતી અરજી આપી છે. 

ફેડરેશને અરજીમાં જણાવ્યું હતું કે ૨૦ જુલાઈએ જંતર મંતર અને આસપાસના વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની ફરજ દરમ્યાન મોટી સંખ્યામાં દિલ્હી પોલીસ અને અર્ધલશ્કરી દળના અધિકારીઓ તથા જવાનો ઘાયલ થયા હતા. આ સુરક્ષા-કર્મચારીઓ પ્રત્યે એકતા વ્યક્ત કરવા માટે ૩૧ જુલાઈએ સવારે ૧૧.૦૦ થી સાંજે ૫.૦૦ વાગ્યા સુધી શાંતિપૂર્ણ ધરણાં યોજવાની પરવાનગી માગવામાં આવી છે.

national news india cockroach janata party jantar mantar delhi police