26 January, 2026 07:04 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
શુભાંશુ શુક્લા
ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર જનારા પ્રથમ ભારતીય બનીને ઇતિહાસ રચનારા ગ્રુપ-કૅપ્ટન શુભાંશુ શુક્લાને ભારતના શાંતિકાળના સર્વોચ્ચ શૌર્ય પુરસ્કાર અશોક ચક્રથી સન્માનિત કરવામાં આવશે.
ગયા વર્ષે જૂનમાં ૪૧ વર્ષના ગ્રુપ-કૅપ્ટન શુભાંશુ શુક્લા અવકાશમાં મુસાફરી કરનાર બીજા ભારતીય બન્યા હતા. તેમણે Axiom-4 મિશનના ભાગરૂપે ISSની યાત્રા કરી હતી. ઇન્ડિયન ઍર ફોર્સ (IAF)ના ટેસ્ટ-પાઇલટે ૧૮ દિવસની અવકાશયાત્રા કરી હતી. આના ૪૧ વર્ષ પહેલાં ૧૯૮૪માં રાકેશ શર્મા અવકાશમાં જનારા પહેલા ભારતીય બન્યા હતા. તેમને પણ અશોક ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈ કાલે સશસ્ત્ર દળોના ૭૦ કર્મચારીઓ માટે શૌર્ય પુરસ્કારોને મંજૂરી આપી હતી, જેમાંથી છને મરણોત્તર આ સન્માન પ્રાપ્ત થશે. આમાં એક અશોક ચક્ર, ૩ કીર્તિ ચક્ર, ૧૩ શૌર્ય ચક્ર (એક મરણોત્તર સહિત), એક બાર ટુ સેના મેડલ (શૌર્ય) અને ૪૪ સેના મેડલ (શૌર્ય)નો સમાવેશ થાય છે. કીર્તિ ચક્ર પુરસ્કાર મેળવનારા મેજર અર્શદીપ સિંહ, નાયબ સૂબેદાર દોલેશ્વર સુબ્બા અને ગ્રુપ-કૅપ્ટન પ્રશાંત બાલકૃષ્ણન નાયર છે.