24 January, 2024 02:06 PM IST | Delhi | Gujarati Mid-day Online Correspondent
દિલ્હી પરેડની તૈયારીની ફાઈલ તસવીર
જાન્યુઆરી પૂરું થવામાં છે પણ દિલ્હીમાં લાગતી ઠંડી જવાનું નામ નથી લઈ રહી. એવામાં બે દિવસ પછી ગણતંત્ર દિવસની (Republic day 2024 Pared) પરેડ થવાની છે. આ પરેડ જોવા માટે લોકોમાં ઘણો ઉત્સાહ દેખાઈ રહ્યો છે પણ એક તરફ ધુમ્મસ અને ઠંડીએ લોકોને ડરાવી રાખ્યા છે. એવામાં અનેક લોકોના મનમાં એ પ્રશ્ન છે કે ક્યાંક પ્રજાસત્તાક દિવસે દિલ્હીમાં વરસાદ તો નહીં પડે ને, ક્યાંક અહીં ઠંડીને કારણે ધુમ્મસ તો નહીં બાજી રહે ને. જો તમને પણ કેટલા એવા પ્રશ્નો છે તો અહીં જાણો 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસે હવામાન વિશેની બધી જ માહિતી....
શું ગણતંત્ર દિવસે પડશે વરસાદ?
આજે સવારે દિલ્હી-એનસીઆરમાં વરસાદ પડવાથી ઠંડીમાં વધારો નોંધવામાં આવ્યો છે. જેના પછી પરેડ જોવા જનારા લોકોને ઠંડીની સાથે જ વરસાદનો પણ ડર સતાવી રહ્યો છે કે શું ગણતંત્ર દિવસે વરસાદ રંગમાં ભંગ પાડશે? હવામાન વિભાગ પ્રમાણે 26 જાન્યુઆરીના વરસાદનું કોઈ અનુમાન નથી. જણાવવાનું કે છેલ્લા 9 વર્ષમાં બે વાર જ એવું થયું છે કે ગણતંત્ર દિવસે વરસાદ પડ્યો હોય. આથી તે દિવસે પરેડ જોનારા લોકોને વરસાદથી ડરવાની જરૂર નથી પણ IMD પ્રમાણે તે દિવસે પણ દિલ્હીમાં શીત લહેરને કારણે જબરજસ્ત ઠંડીનો અનુભવ તો થશે જ.
દિલ્હી ઠંડીની સાથે ધુમ્મસમાં છવાયેલ રહેશે
જો તમે 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસની પરેડ જોવા જઈ રહ્યા છો, તો તમને ઠંડીની સાથે ધુમ્મસ પણ જોવા મળશે. જેના કારણે વિઝિબિલિટી પણ ઓછી થશે. આવી સ્થિતિમાં જો તમારી સીટ થોડી પાછળ હોય તો તમને પરેડ જોવામાં થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. IMD અનુસાર, છેલ્લા કેટલાક વર્ષોથી 26 જાન્યુઆરીએ ગાઢ ધુમ્મસ છે. પ્રજાસત્તાક દિવસ પર, વર્ષ 2009, 2010, 2014, 2018, 2021 અને 2023માં દિલ્હી ધુમ્મસથી ઢંકાયેલું હતું.
IMDએ આગામી બે દિવસ માટે જાહેર કર્યું યલો એલર્ટ
દિલ્હી NCRમાં વધતી ઠંડી અને ધુમ્મસને જોતા IMD એ આગામી બે દિવસ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. જો 26 જાન્યુઆરીના લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો ગણતંત્ર દિવસ પર લઘુત્તમ તાપમાન 7 થી 9 ડિગ્રી સેલ્સિયસ રહેવાનું છે.
લોકો કાગળના રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શકે છે, પણ તેઓએ ધ્વજને જમીન પર ફેંકવા જોઈએ નહીં. આ ધ્વજનું ગૌરવ જાળવીને તેનો ખાનગીમાં નિકાલ કરવો જોઈએ. તમામ રાષ્ટ્રીય, સાંસ્કૃતિક અને સ્પોર્ટ્સના કાર્યક્રમોને આ માર્ગદર્શિકા લાગુ પડે છે. રાષ્ટ્ર ધ્વજને સન્માન મળવું જોઈએ કારણ કે, તે ભારતના લોકોની આશા અને આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરે છે. ‘ફ્લૅગ કોડ ઑફ ઈન્ડિયા’ વિશેની માહિતી મંત્રાલયની વેબસાઈટ પર ઉપલબ્ધ છે.
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમૅન્યુઅલ મૅક્રોન મુખ્ય અતિથિ હશે. ૨૬ જાન્યુઆરીએ કર્તવ્ય પથ પર રાષ્ટ્રગીત અને ૨૧ બંદૂકોની સલામી સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવીને ઉજવણી કરવામાં આવશે. આ દિવસને ધ્યાનમાં રાખીને વિવિધ સુરક્ષાના પગલાં લેવામાં આવી રહ્યા છે.