26 June, 2026 07:05 AM IST | Ayodhya | Gujarati Mid-day Correspondent
રામમંદિર
અયોધ્યાસ્થિત પ્રખ્યાત રામમંદિરના દાનમાં આચરવામાં આવેલા કૌભાંડના મામલે આખરે સત્તાવાર ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ સરકારના નિર્દેશ પર સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની ભલામણ અને પ્રાથમિક તપાસમાં સામે આવેલાં ચોંકાવનારાં તથ્યોના આધારે આ કડક કાનૂની પગલું ભરવામાં આવ્યું છે. શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ વતી શ્રી કૃષ્ણ મોહનની સત્તાવાર ફરિયાદના આધારે રામજન્મભૂમિ પોલીસ-સ્ટેશનમાં આ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ ફરિયાદમાં કુલ ૮ લોકો વિરુદ્ધ નામજોગ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં રમાશંકર યાદવ (ટિન્નુ યાદવ), અનુકલ્પ મિશ્રા, અવિનાશ શુક્લા, મનીષ યાદવ, રમાશંકર મિશ્રા, સુભાષ, કરુણેશ અને લવકુશ મિશ્રાનો સમાવેશ થાય છે. કૌભાંડનો ખુલાસો થયા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આ તમામ આઠેય શંકાસ્પદોને કસ્ટડીમાં લીધા હતા. આ લોકો પાસેથી જ કથિત રીતે નાણાકીય રકમ પણ મળી આવી હતી. આ હાઈ-પ્રોફાઇલ મામલામાં પોલીસ આગામી સમયમાં મોટા પાયે ધરપકડ કરે એવી પ્રબળ શક્યતા હોવાથી હવે સૌની નજર તપાસ પર ટકેલી છે. આ ઉપરાંત આ સમગ્ર ફરિયાદમાં ભવિષ્યમાં મોટાં માથાંઓ વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ થાય એવી શક્યતા છે. ઉપરાંત સમગ્ર ટ્રસ્ટમાં મોટા પ્રમાણમાં ફેરફારની પણ શક્યતા સેવવામાં આવી રહી છે.