અયોધ્યામાં રામલલાના લલાટ પર ૪ મિનિટ માટે થયું સૂર્યતિલક

28 March, 2026 08:49 AM IST  |  Ayodhya | Gujarati Mid-day Correspondent

રામનવમી નિમિત્તે પહેલાં પંચામૃતથી થયો અભિષેક, સુવર્ણજડિત પીતાંબરમાં સજ્જ રામલલાને ૫૬ ભોગ ધરાવાયા અને પછી ૧૨ વાગ્યે સૂર્યનાં કિરણોનું તિલક થયું, ૧૦ લાખ શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચ્યા

રામલલાના સૂર્યતિલક

રામનગરી અયોધ્યામાં ગઈ કાલે રામનવમીનું પાવનપર્વ ખૂબ ધામધૂમ અને ભક્તિભાવથી ઊજવાયું હતું. આધુનિક વિજ્ઞાન અને અધ્યાત્મના સંગમથી સાક્ષાત્ સૂર્યદેવે રામલલાના મસ્તક પર તિલક કર્યું હતું. લગભગ ૪ મિનિટ સુધી ચાલેલી આ ખગોળીય ઘટનાનું સીધું પ્રસારણ દેશ-દુનિયાના કરોડો શ્રદ્ધાળુઓએ નિહાળ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બપોરે ૧૨ વાગ્યે ટીવી પર જ સૂર્યતિલક સાથે રામલલાનાં દર્શન કર્યાં હતાં.

નરેન્દ્ર મોદીએ ટીવી પર રામલલાના સૂર્યતિલકનાં દર્શન કર્યાં હતાં

રામનવમીના અવસરે પ્રભુને પીળા રંગની સુવર્ણ કારીગરીવાળું પીતાંબર પહેરાવ્યું હતું. શુક્રવારે વહેલી સવારથી અયોધ્યામાં રામજન્મનો ઉલ્લાસ જોવા મળ્યો હતો. બપોરે સૂર્યતિલક પહેલાં રામલલાને પંચામૃતનો અભિષેક કરવામાં આવ્યો હતો. સૂર્યતિલક દરમ્યાન ગર્ભગૃહમાં ૧૪ પૂજારીઓએ પૂજા અને આરતી કરી હતી. ૪ મિનિટના તિલક બાદ ગર્ભગૃહનાં દ્વાર થોડીક વાર બંધ રાખવામાં આવ્યાં હતાં અને પછી ૫૬ વાનગીઓનો ભોગ ધરાવવામાં આવ્યો હતો.

રામમંદિરના ગર્ભગૃહને ફૂલોથી સજાવવામાં આવ્યું હતું અને સવારે ૫.૩૦ વાગ્યે રામલલાની આરતી થઈ હતી. ગઈ કાલે ભક્તો માટે મંદિર ૩ કલાક વધુ ખૂલ્યું હતું. સવારે પાંચ વાગ્યાથી રાતે ૧૧ વાગ્યા સુધી દર્શન ચાલુ હતાં. 

સૂર્યતિલકની ખાસિયત

રામલલાના લલાટ પર ચોક્કસ સમયે સૂર્યનાં કિરણો પડે એ માટે અષ્ટધાતુમાંથી બનેલી ૨૦ પાઇપોની ૬૫ ફુટ લાંબી સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે. એમાં ચાર લેન્સ અને ચાર મિરરના માધ્યમથી સૂર્યનાં કિરણોનું પ્રતિબિંબ રામલલાના લલાટ પર પડે છે. બૅન્ગલોરના વૈજ્ઞાનિકોએ સૂર્યની ગતિના ઊંડા અભ્યાસ બાદ ખાસ ઉપકરણ તૈયાર કર્યું છે. આગામી ૧૯ વર્ષ સુધી સૂર્યની ગતિમાં બદલાવો આવવા છતાં આ સિસ્ટમ ચાલશે. એનાથી દર રામનવમીએ બપોરે ૧૨ વાગ્યે તિલકની જેમ કિરણો લલાટ પર પડશે. ગર્ભગૃહમાં થયેલા સૂર્યતિલકનો સંપૂર્ણ નજારો લાખો દર્શકો જોઈ શકે એ માટે મંદિરમાં છ કૅમેરા લગાવવામાં આવ્યા હતા.

પીતાંબર બનાવતાં ત્રણ મહિના લાગ્યા

રામનવમીના વિશેષ પર્વ પર પહેરાવાયેલું પીતાંબર ડિઝાઇનર મનીષ તિવારીએ ડિઝાઇન કર્યું હતું. આસામના એરી સિલ્ક પર બારીક સુવર્ણ જરીકામ દ્વારા એને તૈયાર કરતાં લગભગ ૩ મહિનાનો સમય લાગ્યો હતો. 

ayodhya ram mandir ram navami narendra modi national news news